એક ક્લિકમાં વસતીનો હિસાબ
ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ જનગણનાની શરૂઆત
રાજકોટ સહિત રાજ્યભરમાં પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરીનો પ્રારંભ
1 લાખથી વધુ કર્મચારીઓ મેદાનમાં, 3.74 લાખ નાગરિકોએ સ્વ-ગણતરીમાં લીધો ભાગ ; 2027માં થશે જાતિ ગણતરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજથી જનગણના-2027ની ઐતિહાસિક શરૂઆત થઈ છે. દેશમાં આ 16મી અને સ્વતંત્રતા પછીની 8મી જનગણના છે, જે પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2011 પછી 16 વર્ષના અંતરે શરૂ થયેલી આ જનગણના માટે રાજ્યભરમાં વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાના જણાવ્યા મુજબ, જનગણનાનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન, 2026 સુધી ચાલશે. આ તબક્કામાં ગણતરીદારો ઘર-ઘર જઈને આવાસની સ્થિતિ, કુટુંબની રચના, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા, વીજળી, સંચાર સાધનો સહિતની કુલ 33 પ્રકારની વિગતો એકત્રિત કરશે. આ માહિતીના આધારે રાજ્ય અને દેશના વિકાસ માટેની વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવશે.
બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી ગણતરીની સાથે પ્રથમ વખત જાતિ ગણતરીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં દરેક વ્યક્તિની લોકસાંખ્યિક માહિતી એકત્રિત કરીને રાષ્ટ્રીય સ્તરે વિગતવાર આંકડાકીય ચિત્ર તૈયાર કરવામાં આવશે. આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણતરીદારો માટે એન્ડ્રોઇડ અને iOS આધારિત મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં ગુજરાતી સહિત 16 ભાષાઓમાં માહિતી નોંધવાની સુવિધા ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ ન હોય તેવી સ્થિતિમાં પણ ઓફલાઇન ડેટા સંગ્રહ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
રાજ્યમાં 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને સામાન્ય નાગરિકો સહિત કુલ 3.74 લાખથી વધુ લોકોએ સ્વ-ગણતરી ફોર્મ ભર્યા છે. જેમાંથી 3.30 લાખથી વધુ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીની અરજીઓ પ્રક્રિયામાં છે.
ગુજરાતમાં આ વિશાળ અભિયાન માટે 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. કામગીરી માટે 1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે ત્રણ તબક્કામાં વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ વ્યક્તિગત માહિતી જનગણના અધિનિયમ-1948 અને જનગણના નિયમો-1990 હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કોઈપણ કાનૂની કાર્યવાહી કે કરવેરા સંબંધિત હેતુ માટે કરવામાં આવશે નહીં. દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી કાયદાકીય ફરજ છે અને માહિતી આપવા ઇનકાર કરનાર સામે દંડની જોગવાઈ પણ છે. જનગણના અંગે વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે નાગરિકો ભારત સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 તથા સત્તાવાર વેબસાઇટ censusindia.gov.in. નો સંપર્ક કરી શકે છે.
પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ જનગણના
વર્ષ 2026-27ની જનગણના સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરાઈ રહી છે. મોબાઇલ એપ્લિકેશન દ્વારા સીધો ડેટા એકત્રિત કરાશે.
33 પ્રશ્નોના જવાબ આપવા પડશે
આવાસ, કુટુંબ, પાણી, શૌચાલય, વીજળી, મિલ્કત અને અન્ય સુવિધાઓ અંગે કુલ 33 પ્રશ્નો પૂછાશે.
2027માં થશે જાતિ ગણતરી
9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી ગણતરીની સાથે જાતિ ગણતરી પણ હાથ ધરાશે.
3.74 લાખ લોકોએ કરી સ્વ-ગણતરી
ગુજરાતમાં અત્યાર સુધી 3.74 લાખથી વધુ નાગરિકોએ ઓનલાઇન સ્વ-ગણતરી ફોર્મ ભર્યા છે.
રાજ્યપાલથી મુખ્યમંત્રી સુધી સહભાગી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ સ્વ-ગણતરીમાં ભાગ લીધો.
1 લાખથી વધુ કર્મચારીઓ મેદાનમાં
1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરો રાજ્યભરમાં કામગીરી કરી રહ્યા છે.
ગુજરાતી સહિત 16 ભાષાની સુવિધા
જનગણનાની એપ્લિકેશનમાં ગુજરાતી સહિત 16 ભાષાઓમાં માહિતી નોંધાવી શકાય છે.
ઓફલાઇન ડેટા એન્ટ્રીની વ્યવસ્થા
ઇન્ટરનેટ ન હોય તેવા વિસ્તારોમાં પણ ઓફલાઇન માહિતી સંગ્રહ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
માહિતી રહેશે સંપૂર્ણ ગુપ્ત
જનગણનામાં આપેલી વ્યક્તિગત માહિતી કાયદા હેઠળ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે.
મદદ માટે હેલ્પલાઇન 1855
જનગણના સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકાય છે.


