સાંઢીયા પુલ નજીક ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર દુષિત પાણીની રેલમછેલ
વાસ મારતા પાણીથી વટે માર્ગુ, સ્થાનિકોમાં ભારે રોષ : પાણી ફૂવારા છુટતા લોકોના કપડા પણ બગડયા : જાણ કરવા છતાં તંત્ર મોડુ આવતા લોકોમાં આક્રોશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન અચાનક લીક થતા રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રીતસરનો ધોધ વહેતો થયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કલાકો સુધી રસ્તા પર ગંદુ પાણી વહેતું રહ્યું હોવા છતાં તંત્રના અધિકારીઓ મોડા જાગતા પ્રજાની હાલાકીમાં વધારો થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર રોડ એ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે, જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. સાંઢિયા પુલ પાસે ગટરની લાઈન ફાટતા અથવા બ્લોકેજ થતા ગંદા પાણીએ આખા રસ્તાને બાનમાં લીધો હતો. વાહનચાલકોને ગંદા પાણીના ખાબોચિયામાંથી પસાર થવું પડ્યું હતું, જેને કારણે અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થતા બચ્યા હતા. દૂષિત પાણીના ફુવારા ઉડતા હોવાથી રાહદારીઓના કપડાં પણ બગડ્યા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે ગટરના પાણીની અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો.
આ ગંદા પાણીનો પ્રવાહ માત્ર રસ્તા પૂરતો સીમિત નહીં રહેતા નજીકમાં આવેલા ગાર્ડન અને ફૂટપાથ સુધી પહોંચી ગયો હતો. અહીં રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ ફેરિયાઓ પોતાનો વેપાર કરીને પેટીયું રળતા હોય છે. ગટરના પાણી તેમના વેચાણના સ્થળ સુધી ફરી વળતા ગ્રાહકોએ ત્યાં આવવાનું ટાળ્યું હતું. દુર્ગંધ અને ગંદકીના ગંજ વચ્ચે આ શ્રમિકોને વેપાર કરવો અશક્ય બની ગયો હતો. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ તંત્રની આ પ્રકારની બેદરકારીને કારણે આ નાના વેપારીઓની દૈનિક આવક પર સીધી અસર પડી હતી.
આ સમગ્ર મામલે મનપાના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું હતું કે, શીતલ પાર્કની ડ્રેનેજ લાઈનમાં ભારે માત્રામાં કચરો આવી જવાથી લાઈન ચોક-અપ થઈ ગઈ હતી. આ બ્લોકેજને કારણે પ્રેશર વધતા જામનગર રોડ પરની લાઈન લીકેજ થઈ હતી. જોકે, તેમણે દાવો કર્યો હતો કે ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જેટીંગ મશીન દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, કુંડીની સફાઈ કરી દેવામાં આવી છે અને હવે ગટરનું પાણી રસ્તા પર વહેવાને બદલે સીધું મેન હોલમાં જતું રહેશે.
ઉલ્લેખનીય છે કે, મનપા ભલે કામગીરી પૂર્ણ થયાના દાવા કરે, પરંતુ પ્રજાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું લાઈનમાં કચરો ફસાય ત્યાં સુધી તંત્ર કોઈ મેઈન્ટેનન્સ નથી કરતું? કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પર જ્યારે ગટરના પાણી વહે છે ત્યારે તે રસ્તાના આયુષ્યનું શું? ઉનાળામાં જો સામાન્ય કચરાથી આવી સ્થિતિ સર્જાતી હોય, તો ભારે વરસાદમાં રાજકોટની જનતાનું શું થશે તે એક મોટો પ્રશ્ન છે. હાલ પૂરતું પાણી ઉતરી ગયું છે, પરંતુ આ ઘટનાએ મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે.


