વેરાવળ હોસ્પિટલમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો : યુવકનું મોત
દારૂના નશામાં ભાન ભૂલેલો યુવક લથડતા પગે લિફ્ટમાંથી બહાર નીકળ્યો અને સીધો રેલિંગ પર ચડી ગયો; બેલેન્સ ગુમાવતા હાથ છટક્યો અને ક્ષણભરમાં ખેલ ખતમ : સમગ્ર ધટના CCTVમાં કેદ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળની સરકારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નશામાં ધૂત યુવકનું ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે. આ ઘટના રવિવારે વહેલી પરોઢે બની હતી જેના CCTV દ્રશ્યો આજે સામે આવ્યા છે. યુવકની દરેક હિલચાલ કેમેરામાં કેદ થઈ છે. યુવક લિફ્ટમાં બેસી ત્રીજા માળે પહોંચ્યો હતો. જે બાદ લથડાતા પગે રેલિંગ પર ચડ્યો હતો. જ્યાં હાથ છટકતાં જ નીચે પટકાયો હતો.
પારિવારિક વિવાદ બાદ વહેલી સવારે યુવક હોસ્પિટલ પહોંચ્યો આ અંગે મળતી માહિતી મુજબ, વેરાવળના મફતીયાપરા રિંગ રોડ વિસ્તારમાં રહેતા કરણ સોલંકી નામના યુવકે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં સરકારી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. પ્રાથમિક ચર્ચા મુજબ, યુવક ઘરમાં ચાલી રહેલા પારિવારિક ઝઘડાના કારણે ભારે તણાવમાં હતો અને નશાની હાલતમાં હોસ્પિટલ આવી પહોંચ્યો હતો.
હોસ્પિટલના CCTV ફૂટેજમાં યુવક નશાની હાલતમાં લથડિયાં ખાતો ચાલતો જોવા મળે છે. હોસ્પિટલમાં પ્રવેશ્યા બાદ તે સીધો લિફ્ટમાં બેસી ત્રીજા માળે પહોંચ્યો હતો. તે નશામાં હોવાથી લથડિયાં ખાતો ખાતો વારંવાર ગેલેરીની રેલિંગ તરફ જઈ રહ્યો હતો. ત્યાં હાજર અન્ય દર્દીઓના સગાઓ અને મેડિકલ સ્ટાફે તેની આ અસામાન્ય હિલચાલ જોઈ તેને નીચે ઉતારવા તથા સમજાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક કોઈનું પણ માન્યો ન હતો.
ત્યારબાદના દ્રશ્યો મુજબ, ત્રીજા માળે આવેલા ઓટીએસ વિભાગ નજીક પહોંચેલા યુવકે ત્યાંની રેલિંગ પર ચઢી બેસવાનો પ્રયાસ કર્યો હતો. CCTVમાં તે અંદાજે દોઢેક મિનિટ સુધી અત્યંત જોખમી સ્થિતિમાં રેલિંગ પર બેઠેલો અને લટકતો જોવા મળે છે. આ દરમિયાન તેની હરકતો પરથી તે સ્વસ્થ માનસિક સ્થિતિમાં ન હોવાનું સ્પષ્ટ જણાય છે.
જે બાદ યુવકે છલાંગ લગાવી દીધી હતી જેથી ત્રીજા માળેથી સીધો નીચે પટકાયો હતો. હોસ્પિટલના શાંત વાતાવરણમાં મોટા ધડાકાભેર અવાજ સાથે યુવક નીચે પડતા આસપાસ હાજર સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોની તમામ કોશિશો છતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


