ગુજરાતમાં ઇબોલા વાયરસની એન્ટ્રી, વડોદરાના યુવા ઉદ્યોગપતિ શંકાસ્પદ
અમદાવાદ હોસ્પિટલમાં એડમીટ, એક ડોકટર સહિત ત્રણ લોકો કવોરન્ટાઇન : બ્લડ સેમ્પલ લેવાયા : આરોગ્ય વિભાગ સર્તક
અગ્ર ગુજરાત, વડોદરા
આફ્રીકન દેશ કોંગોમાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા 37 વર્ષીય બિઝનેસમેનમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, એક બિઝનેસમેન(ઉ.વ.37) આ પાંચ-સાત દિવસ પહેલા કોંગોથી બોમ્બે આવે છે અને ત્યાંથી પછી વડોદરા આવે છે. વડોદરામાં એમને તાવ આવતો હોય એવું જણાતા એને બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી હેલ્થ વિભાગને જાણ થતાં તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 11 દિવસ માટે ક્વોરન્ટીન કરી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને વિવિધ ટેસ્ટ ચાલી રહ્યા છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
આ વ્યક્તિની સાથે બીજા બે વ્યક્તિ હતા. આ બંને વ્યક્તિને પણ SVP હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે. અને એક ડૉક્ટર પણ સંપર્કમાં આવ્યા હતા. તો એમને પણ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા અને હાલ હોમઆઈસોલેશનમાં રાખવામાં આવેલા લોકો પશ્ચિમ વિસ્તારમાં રહે છે. તેમાના એકપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.
AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે.


