- સચિવાલય ગેટ-1 પાસે ઉમેદવારો એકઠા થતાં પોલીસ દોડતી થઈ
- પોલીસે 60થી વધુ ઉમેદવારોની અટકાયત કરી
- ટેટ-ટાટ ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતી સહિતની માંગણીઓ કરી રહ્યાં છે.
ગાંધીનગરમાં સચિવાલય ગેટ-1 પાસે ગુરુવારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પ્રદર્શન કર્યું હતું. ભરતીની માંગણી સાથે પહોંચેલા 60થી વધુ ઉમેદવારોની પોલીસ અટકાયત કરી હતી. ટેટ-ટાટ ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતી સહિતની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે ગુરુવારે 60થી વધુ ટેટ-ટાટ ઉમેદવારો સચિવાલય ગેટ-1 પાસે પહોંચી ગયા હતા. શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે તૈયારી કરતાં ઉમેદવારોની પોલીસ અટકાયત કરી લીધી હતી. ઉમેદવારોએ લાગણી વ્યક્ત કરી હતી કે, ગુજરાતના વિદ્યાર્થીઓ અને હજારો બેરોજગાર ઉમેદવારોના હિત માટે કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. વર્ષોની દિવસ-રાતની મહેનતથી ટેટ-ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલાં ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ રહ્યું છે. રાજ્ય સરકારની જ્ઞાન સહાયક યોજનામાં કરાર પર શિક્ષકોની ભરતીથી ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાણ ઊઠી છે. જેને પગલે ટેટ-ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને સરકારમાં પણ અનેકવખત રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે ગુરુવારે ફરીથી રાજ્યભરમાંથી 60થી વધુ ઉમેદવારો ગાંધીનગર પહોંચી ગયા હતા. સચિવાલયના ગેટ-1 પાસે એકઠા થયેલા ઉમેદવારો વધુ પ્રદર્શન કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી હતી.


