સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશવ્યાપી કૌભાંડનો કર્યો પર્દાફાશ
ફિગર મેઇન્ટેનન્સ રાખવામાં યુવતીઓનો પોકેટ ખાલી થયા
ગુરૂગ્રામની કંપનીએ વેઇટલોસની લાલચ આપી ૧૫૦ યુવતીની ગેંગે ૮૦ કરોડનું કૌભાંડ આચર્યુ : સુરતની મહિલાએ વજન ઉતારવામાં ગુમાવ્યા ૧.૭૭ કરોડ : બે મહિલા સહિત ચારની ધરપકડ
અગ્ર ગુજરાત, સુરત
સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને સારા-સારા ટેકનોક્રેટ્સ પણ ચોંકી જાય. હરિયાણાના ગુરુગ્રામ (ગુડગાંવ) ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક આલીશાન ઓફિસ ભાડે રાખીને “CUREST SCIENCE & WELLNESS PRIVATE LIMITED” નામે એક સત્તાવાર રજિસ્ટર્ડ કંપની ખોલવામાં આવી હતી.
આ કોર્પોરેટ ઓફિસમાં 150થી વધુ યુવક-યુવતીઓથી સજ્જ એક હાઈટેક કૉલ સેન્ટર હતું. અહીંથી રોજ હજારો કૉલ્સ દેશભરની માસૂમ મહિલાઓને કરવામાં આવતા હતા. કૉલ સેન્ટરની અંદર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 150 જેટલી મહિલા કૉલર્સ અને 20 જેટલા પુરુષો સામેલ હતા, જેઓ ફેસબુક પર વજન ઘટાડવાની એડ મૂકીને અને તબીબી જગતના ખોટા પ્રોટોકોલ વાપરીને લોકોને જાળમાં ફસાવતા હતા.
સુરતની એક ગૃહિણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સ્ક્રૉલ કરી રહી હતી, ત્યારે તેને વજન ઘટાડવા માટેની એક અત્યંત આકર્ષક અને પ્રોફેશનલ જાહેરાત જોવા મળી હતી. ત્યારબાદ ગેંગે વજન ઉતારવાની લાલચ આપીને 1.77 કરોડ પડાવી લીધા હતાં. જોકે આજે 30 જૂને સુરત પોલીસે ગુરુગ્રામની હાઈટેક ગેંગને ઝડપી લીધી હતી. દેશભરમાં ગુરુગ્રામની કંપનીએ ફેસબુક પર એડ મૂકીને 80 કરોડનું કાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.
સુરતની મહિલાને વિશ્વાસમાં લેવા માટે કૉલ સેન્ટરમાં બેઠેલા અર્સલાન નામના સાયબર ઠગે પોતાની અવાજ બદલવાની કળા વાપરી. તેણે ગૃહિણી સાથે ક્યારેક દેશના જાણીતા નિષ્ણાત “ડૉ. એમ. કે. ખન્ના” તો ક્યારેક “ડૉ. આકાશ મલહોત્રા” બનીને જુદા-જુદા અવાજમાં વાત કરી. કૉલ સેન્ટરની ટેલીકોલર છોકરીઓ હેના (જેણે પોતાનું નામ તન્વી શર્મા બતાવ્યું હતું) અને નિશા કુમારી (જેણે પ્રિયા ગુપ્તા નામ ધારણ કર્યું હતું)એ ગૃહિણીને એવું સમજાવ્યું કે કંપનીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેમનું પ્રોપર કન્સલ્ટિંગ કરી રહ્યા છે. ગૃહિણીની એક આખી ફેક મેડિકલ ફાઈલ અને બોડી પ્રોફાઈલ બનાવવામાં આવી, જેથી તેને લાગે કે બધું જ અત્યંત વૈજ્ઞાનિક ઢબે થઈ રહ્યું છે.
આ ગેંગની સૌથી અદભુત અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ બેન્ક એકાઉન્ટમાં પૈસા લેવાનું ટાળતા હતા જેથી કોઈ ઓનલાઈન ટ્રેક ન મળી શકે. સુરતની ગૃહિણી પાસેથી છેલ્લા પાંચ મહિનાની અંદર (26 જાન્યુઆરીથી મે 2026 સુધી) અલગ-અલગ દવાની કિટ મોકલીને કુલ ₹1,77,40,500 પડાવી લેવામાં આવ્યા.
આશ્ચર્યની વાત એ છે કે આમાંથી માત્ર ₹15,000 જ ઓનલાઈન ટ્રાન્સફર કરાયા હતા, જ્યારે બાકીના તમામ ₹1.77 કરોડથી વધુની રકમ રોકડી લેવાઈ હતી! આ રકમ લેવા માટે ગેંગનો ખાસ મેમ્બર મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ અને ઓમપ્રકાશ રજાક દિલ્હીથી બાય ફ્લાઈટ પાર્સલ લઈને સુરત આવતા, ગૃહિણીના ઘરે જઈ દવા આપતા અને થેલા ભરીને કરોડોની રોકડ ફ્લાઈટ મારફતે જ દિલ્હી પરત લઈ જતા હતા.
સુરતમાં પકડાયેલા કુરિયર બોય મોહમ્મદ હુસૈનની કડક પૂછપરછ કરતાં જ તેણે ગુરુગ્રામમાં ચાલતા આખા કૉલ સેન્ટરનું સરનામું ઓકી દીધું હતું. સુરત સાયબર સેલની એડવાન્સમાં દિલ્હી ગયેલી ટીમ તાત્કાલિક ગુરુગ્રામ પહોંચી અને ત્યાંની સ્થાનિક પોલીસને સાથે રાખીને ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસના કૉલ સેન્ટર પર અડધી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે અંદર પ્રવેશી ત્યારે આખું સેન્ટર ધમધમી રહ્યું હતું. પોલીસે ત્યાંથી મુખ્ય કૉલર હેના અને નિશા કુમારીની ધરપકડ કરી લીધી, જેઓ ગૃહિણીને સતત ફોન કરીને પૈસા તૈયાર રાખવાનું દબાણ કરતી હતી.
પોલીસ તપાસમાં આ ગેંગના નાણાકીય વ્યવહારો જોઈને અધિકારીઓ પણ અવાક બની ગયા છે. આ કંપની વર્ષ 2021માં રજિસ્ટર્ડ થઈ હતી અને 2022થી ફ્રોડ ઓપરેશન ચલાવતી હતી. તેમના સત્તાવાર બેન્ક ખાતામાં માત્ર સાડા આઠ કરોડ રૂપિયા (₹8,30,95,532) જ મળ્યા છે, પરંતુ રોકડા વ્યવહારોનો આંકડો આકાશને આંબે તેવો છે.


