હાશ! મોંઘવારીમાં શહેરીજનો પરથી એક ભારણ ઘટશે
પે એન્ડ પાર્કીંગમાંથી મુક્તિ મળવાના સંકેત
સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય વખતે વિરોધ કરનાર ડો.નેહલ શુક્લ મેયર બનતા જ પોતાએ ભુતકાળમાં કરેલી વાત યાદ હોવાનું કહ્યું
આગામી દિવસોમાં શહેરના વિવિધ ૬3 સ્થળોએ ચાલતા પે એન્ડ પાર્કીંગ ફ્રી બનાવવા ચાલતી તૈયારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં પે એન્ડ પાર્કીંગ કલ્ચર સામે વર્તમાન મેયર દ્વારા ભૂતકાળમાં વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ ડો.નેહલ શુકલ સત્તામાં આવતાની સાથે જ પોતે ભુતકાળમાં કહેલી વાત યાદ હોવાનું જણાવી શહેરના વિવિધ ઝોનમાં ૬3 સ્થળોએ પે એન્ડ પાર્કીંગ બંધ કરી ફ્રી કરવાના સંકેત આપ્યો છે.
રાજકોટ શહેરનાં ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને જામનગર રોડ સહિતનાં વિસ્તારોમાં હાલમાં પે એન્ડ પાર્કિંગ ચલાવવા માટે મનપાએ ખાનગી કોન્ટ્રાકટ આપેલા છે. જેમાં કોન્ટ્રાકટ રાખનારે નિયત રકમ મનપા તંત્રને આપવાની હોય છે. અને મનપાનાં નિયમો મુજબ પાર્કિંગ ફી વસુલવાની સતા તેમને મળે છે. જેમાં કેટલા સમય માટે કયું વાહન પાર્ક કરવામાં આવ્યું છે, તે મુજબ અલગ-અલગ ફી વસુલ કરવામાં આવતી હોય છે. આ પ્રકારના પાર્કિંગમાં એક કલાકથી લઈ એક મહિના માટે વાહન પાર્ક કરવાની સગવડ મળે છે.
રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય હતા. ત્યારે પે એન્ડ પાર્કિંગમાંથી મનપાને ખાસ મોટી આવક નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં આ પ્રથા બંધ કરવા અને લોકોને ફ્રી પાર્કિંગ માટેની સુવિધા આપવા માટે તેમાંથી થતી અમુક લાખ રૂપિયાની આવક જેટલી રકમ પોતે ખિસ્સામાંથી આપવા માટેની તૈયારી પણ દર્શાવી હતી. હાલમાં તેઓ મેયર હોવાથી આ નિર્ણયો લેવા માટે વધુ સક્ષમ છે. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા આ અંગે તેમની સાથે વાત કરવામાં આવી હતી. જેમાં પોતે કહેલી વાત સારી રીતે યાદ હોવાનું કહી મેયરે પે એન્ડ પાર્કિંગ માત્ર પાર્કિંગ થવાના સંકેત આપ્યા હતા.
મેયરે ડો. નેહલ શુકલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જે કોઈપણ સ્થળોએ પે-એન્ડ-પાર્કિંગના કોન્ટ્રાક્ટની મુદત સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ કે એજન્સી નાણાં વસૂલી શકે નહીં. જો આવા કોઈ પણ સ્થળે હજુ પણ જબરદસ્તી કે ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ મળશે, તો તેવા તત્વોને ત્યાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. આટલું જ નહીં, મુદત પૂરી થયા પછી પણ ઉઘરાણું ચાલુ રાખનારી એજન્સીઓની સામે તપાસ કરીને તેમને ભવિષ્ય માટે ‘બ્લેકલિસ્ટ’ કરવાની કડક કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
અગાઉ તેમણે વાહનચાલકોની સુવિધા માટે પાર્કિંગ ફ્રી રાખવા કે અમુક રાહતો આપવા અંગે જે ખાતરી આપી હતી, તેનું શું થશે? આ અંતે સ્પષ્ટતા કરી હતી કે, મેં ભૂતકાળમાં જનતાના હિતમાં જે પણ સ્ટેન્ડ લીધું હતું, તે મને સારી રીતે યાદ છે અને મારા મનમાં તેનો સ્પષ્ટ ખ્યાલ છે. હાલમાં જે તે એજન્સીઓને કાયદાકીય રીતે આ જગ્યાઓ અગાઉ અપાઈ ચૂકેલી હોવાથી, તુરંત જ તેમાં ફેરફાર કરવામાં કેટલીક કાનૂની વિસંગતતાઓ ઊભી થઈ શકે છે. પરંતુ યોગ્ય સમય આવતાની સાથે જ લોકોની સુવિધા માટે તેની ચોક્કસથી અમલવારી કરવામાં આવશે.
કેટલાક સ્થળોએ દબાણ ઉભા થયા
અમુક સ્થળે કોન્ટ્રાકટ માર્ચ મહિનાનાં અંતમાં પુરા થઈ ચુક્યા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાણા કરવામાં આવતા હોવાનો આરોપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. તો અમુક સ્થળે સફાઈનો સદંતર અભાવ હોવાથી કચરાના ઢગલા પડ્યા હોવાનું જોવા મળ્યું હતું. બીજીતરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલા બ્રીજનાં પાર્કિંગમાં કેટલાક ઝૂપડાધારકોએ નાના-મોટા દબાણો કર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
સિવિલ હોસ્પિટલ નજીક ગરીબ દર્દીઓને લુંટવાનું કારસ્તાન: કોંગ્રેસ
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ શહેરમાં જનતાને લૂંટવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, શહેરમાં માર્ચ મહિનામાં પે-એન્ડ-પાર્કિંગના કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી લોકો પાસેથી ગેરકાયદેસર રીતે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં લોકો માત્ર 2 થી 5 મિનિટ માટે ખરીદી કરવા ઊભા રહે છે, તેમની પાસેથી પણ તુરંત જ પાર્કિંગ ચાર્જ વસૂલી લેવામાં આવે છે. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ જ્યાં સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યાં પે-એન્ડ-પાર્કિંગના નામે વસૂલાત કરીને ગરીબ જનતાને લૂંટવાનું કામ ચાલી રહ્યું છે. વર્તમાન મેયર નેહલ શુક્લાએ અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે શહેરમાં પે-એન્ડ-પાર્કિંગ બંધ થવું જોઈએ અને તેના બદલામાં જે કોઈ ચાર્જ ચૂકવવાનો થશે તે તેઓ પોતે ચૂકવી દેશે. હવે જ્યારે તેઓ પોતે મેયર બની ચૂક્યા છે, ત્યારે વિપક્ષ તરીકે હું તેમને પૂછવા માંગું છું કે તેઓ આ બાબતે હવે શું નિર્ણય લેશે?
જનતાના હિતમાં નિર્ણય લેવાશે: મેયર
પે એન્ડ પાર્કિંગમાં થયેલા દબાણો સહિતની બાબતે સંબંધિત અધિકારીઓને પણ તુરંત જ એક્શન લેવા માટે મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે. મીડિયા કે જનતા દ્વારા કોઈ પણ ચોક્કસ સ્થળ કે ઘટના અંગેની લેખિત કે મૌખિક ફરિયાદ અમારા ધ્યાને મૂકવામાં આવશે, તો તેના પર તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પે એન્ડ પાર્કિંગ જનતા માટે ફ્રી કરવાનાં સંકેતો આપતા તેમણે જણાવ્યું હતું કે, મારી કહેલી વાત મને યાદ છે. તેમજ જનતાના હિતને ધ્યાનમાં રાખીને જ આગામી તમામ નિર્ણયો લેવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું.


