મ્યુલ હંટ 2.0માં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ઘા
હોટલ સમ્રાટના રૂમમાંથી સાયબર ફ્રોડના નાણાંની હવાલા ચેઇનનો પર્દાફાશ
મુંબઈના શખ્સની ધરપકડ, ત્રણ મોબાઈલમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શનના પુરાવા હાથ લાગ્યાની ચર્ચા ; મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
સાયબર ઠગાઈના નાણાંને અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે ફેરવી હવાલા ચેનલ દ્વારા મૂળ સૂત્રધાર સુધી પહોંચાડતા નેટવર્ક સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘મ્યુલ હંટ 2.0’ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની હોટલ સમ્રાટ ઇન્ટરનેશનલના રૂમ નં. 310 પર દરોડો પાડી મુંબઈના એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાના સાગરિત સાથે મળીને મ્યુલ એકાઉન્ટ્સના માધ્યમથી સાયબર ફ્રોડની રકમનું ગેરકાયદે સંચાલન કરી કમિશન મેળવતો હતો.
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ચીરાગ જાદવની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે હોટલ સમ્રાટ ઇન્ટરનેશનલમાં રોકાયેલ એક વ્યક્તિ મોબાઈલ ફોન મારફતે મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન કરી રહ્યો છે અને સાયબર ગુનાઓમાંથી મેળવાયેલા નાણાંની હવાલા પદ્ધતિથી લેતીદેતી કરાવી રહ્યો છે. માહિતીના આધારે ટીમે તાત્કાલિક હોટલ પર પહોંચી રૂમ નં. 310માં દરોડો પાડ્યો હતો.
રૂમમાંથી ઝડપી લેવાયેલા શખ્સે પોતાનું નામ રવિન્દ્ર ઘેવરચંદ જૈન (ઉ.વ. 41), રહે. મુંબઈ હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન રૂમમાંથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. મોબાઈલની પ્રાથમિક ચકાસણીમાં વિવિધ બેંકોના OTP મેસેજ, ટ્રાન્ઝેક્શનની વિગતો અને અનેક શંકાસ્પદ ડિજિટલ પુરાવા મળી આવતા ક્રાઈમ બ્રાન્ચને સમગ્ર રેકેટનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી મળી હોવાનું માનવામાં આવે છે.
પોલીસ પૂછપરછમાં રવિન્દ્ર જૈને કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે કે તે પોતાના ભાગીદાર વિનોદ કિશોરમલ શંકા સાથે મળીને અન્ય લોકોના નામે બેંક ખાતાં અને સીમકાર્ડ મેળવતો હતો. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડમાંથી મેળવાયેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ત્યારબાદ આ રકમ હવાલા મારફતે રોકડ સ્વરૂપે મેળવી આગળના સંચાલકો અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવતી હતી.
ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરેલા મોબાઈલ ફોનમાંથી અનેક કંપનીઓના નામ, બેંક એકાઉન્ટ નંબર, ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ તેમજ રૂપિયાની લેતીદેતી સંબંધિત નોંધો મળી આવી હતી. ઉપરાંત રૂ. 2, 5, 10 અને 20ની ચલણી નોટોના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલમાં સંગ્રહિત હતા. પોલીસના મતે આ ફોટોગ્રાફ્સ રોકડ રકમની હવાલા ડિલિવરીની પુષ્ટિ માટે ઉપયોગમાં લેવાતા હોવાની શક્યતા છે.
તપાસ દરમિયાન મોબાઈલમાં ‘TEAM5/JIMMY’ અને ‘Bombay 2’ નામના વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા હતા. આ ગ્રુપમાં બેંક ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ, વિવિધ ખાતાઓની વિગતો, રોકડ રકમના ફોટા અને હિસાબી મેસેજની આપ-લે થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ માને છે કે આ ગ્રુપ સમગ્ર નેટવર્કના સંકલન અને નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે વપરાતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓ જે મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા તે ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) સહિત વિવિધ સ્થળોએ એકથી વધુ ફરિયાદો અને અરજીઓ નોંધાયેલી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જેના કારણે આ નેટવર્કનો વ્યાપ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતો નહીં પરંતુ આંતરરાજ્ય સ્તર સુધી ફેલાયેલો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચ હાલ આરોપી રવિન્દ્ર જૈનની સઘન પૂછપરછ કરી રહી છે. તેના કબ્જામાંથી મળેલા મોબાઈલ ફોનના ડિજિટલ ડેટાનું ફોરેન્સિક વિશ્લેષણ પણ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસને આશા છે કે આ તપાસના આધારે મ્યુલ એકાઉન્ટ્સ ભાડે આપનારા લોકો, નાણાંના વાસ્તવિક લાભાર્થીઓ તેમજ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળશે.
બીજી તરફ, આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા મુંબઈના વિનોદ કિશોરમલ શંકાની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટીમો તેના સંભવિત ઠેકાણાઓ પર તપાસ ચલાવી રહી છે.
‘મ્યુલ હંટ 2.0’ અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી સાયબર ગુનાખોરી સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની અત્યાર સુધીની મહત્વપૂર્ણ કામગીરીમાંની એક માનવામાં આવી રહી છે. કારણ કે સાયબર ઠગાઈના મોટા ભાગના કેસોમાં ગુનેગારો સીધા પકડાતા નથી, પરંતુ મ્યુલ એકાઉન્ટ્સ અને હવાલા નેટવર્ક દ્વારા નાણાંની ટ્રેઈલ છુપાવવામાં આવે છે. આવા સમયે આ પ્રકારની કાર્યવાહીએ સમગ્ર ચેઇનને ઉઘાડી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા અપાવી શકે છે.હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


