ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા
ટ્રાન્સપોર્ટથી લઈને રસોડા સુધી દરેક ખર્ચ વધશે : રૂપિયો ગગડતા આયાતી ચીજો મોંઘી બનશે, ખાતર-ડિઝલના વધેલા ભાવથી ખેતી ખર્ચમાં પણ આગ
પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવથી મોંઘવારીને નવી ગતિ : 71% પરિવારો જરૂરી ખર્ચમાં પણ કાપ મૂકવાની તૈયારીમાં
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ હવે માત્ર વાહનચાલકો માટે જ નહીં પરંતુ સામાન્ય પરિવારના સમગ્ર ઘરખર્ચ માટે મોટો ખતરો બની રહ્યા છે. કેન્દ્ર સરકાર અને નાણાકીય તંત્રમાં પણ હવે ફયુઅલ, ફોરેક્ષ અને ફર્ટીલાઈઝર અંગે ગંભીર ચિંતા દેખાઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે હાલ જે ફયુઅલ શોક જોવા મળી રહ્યો છે તેના આફટર શોક આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે અને મોંઘવારી સામાન્ય લોકોનું બજેટ ખોરવી નાખશે.
ચૂંટણી પૂર્ણ થયા બાદ એક માસથી પણ ઓછા સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અંદાજે રૂા.7.50 પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાની ઘટતી કિંમતના કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે. સરકારનું કહેવું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ રોજના કરોડો રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે, જ્યારે બીજી તરફ લોકો માને છે કે અગાઉ સસ્તા ક્રૂડના સમયમાં થયેલો નફો હવે જાહેર થતો નથી. આ ભાવવધારાની સીધી અસર પરિવહન ખર્ચ પર પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં લગભગ 55 ટકા હિસ્સો ઈંધણનો હોય છે. એટલે કે ડિઝલ-પેટ્રોલ મોંઘું થતા કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો સુધી બધું જ મોંઘું બનવાનું નિશ્ચિત છે. ખાદ્યપદાર્થો, ઘરવખરી, ઈલેક્ટ્રોનિક્સ, કપડા અને દૈનિક જીવનમાં વપરાતી મોટાભાગની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા વધી રહી છે.
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસના જણાવ્યા મુજબ ગ્રાહક ભાવાંકમાં પેટ્રોલ-ડિઝલનું વેઈટેજ આશરે 4.9 ટકા છે. તાજેતરના ભાવવધારાને કારણે મોંઘવારીમાં 30 થી 40 બેસીસ પોઈન્ટ સુધીનો વધારો થઈ શકે છે. આ અસર માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓ સુધી પણ પહોંચશે.
રૂપિયાની ગગડતી કિંમત પણ નવી મુશ્કેલી ઉભી કરી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાતી માલ વધુ મોંઘો બની રહ્યો છે. મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય આયાત આધારિત ઉત્પાદનોના ભાવ વધવાની શક્યતા વધી છે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારો માટે પણ ડબલ ફટકો સર્જાઈ શકે છે કારણ કે તેમને સ્થાનિક મોંઘવારી સાથે રૂપિયાના અવમૂલ્યનની અસર પણ સહન કરવી પડશે.
ફર્ટીલાઈઝર એટલે કે ખાતરના વધતા ભાવ ખેતી ક્ષેત્ર માટે ચિંતાજનક બન્યા છે. ખરીફ સીઝન પહેલાં જ ખાતર, ડિઝલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં ખેતીનો કુલ ખર્ચ વધી રહ્યો છે. પરિણામે કૃષિ ઉત્પાદન મોંઘું બનશે અને તેની અસર સીધી ખાદ્ય મોંઘવારી પર પડશે. આ વચ્ચે રિઝર્વ બેન્ક આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરે તેવી પણ શક્યતા છે. જો વ્યાજદર વધશે તો ઘરલોન, વાહનલોન અને વ્યાપારી ધિરાણ વધુ મોંઘું બનશે. એક સર્વે મુજબ દેશના 71 ટકા લોકો હવે બિનજરૂરી જ નહીં પરંતુ જરૂરી ખર્ચમાં પણ કાપ મૂકવાની ફરજ પડશે તે સ્વીકારી રહ્યા છે. ઈંધણ ખર્ચ ઘટાડવાના મર્યાદિત વિકલ્પોને કારણે હવે સામાન્ય પરિવારો માટે ઘરનું બજેટ સંભાળવું વધુ મુશ્કેલ બનશે.
1 મહિનામાં રૂા.7.50 સુધી ભાવ વધારો
ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય માણસ પર સીધી અસર જોવા મળી રહી છે.
ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 55% ફાળો ઈંધણનો
ઈંધણ મોંઘું થતાં માલ પરિવહન ખર્ચ વધી રહ્યો છે જેના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી બનશે.
મોંઘવારીમાં 40 બેસીસ પોઈન્ટનો ખતરો
અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ ફયુઅલ ભાવવધારાથી ગ્રાહક મોંઘવારી વધુ ઉંચી જઈ શકે છે.
રૂપિયો નબળો પડતા આયાતી માલ મોંઘો
ઈલેક્ટ્રોનિક્સ સહિતના આયાત આધારિત ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની શક્યતા વધી.
વિદેશમાં અભ્યાસ કરતા પરિવારો પર ડબલ માર
સ્થાનિક મોંઘવારી સાથે ડોલર સામે રૂપિયાની કમજોરીનો પણ વધારાનો બોજ પડશે.
ખરીફ સીઝન પહેલાં ખાતર મોંઘું
ફર્ટીલાઈઝર, ડિઝલ અને પરિવહન ખર્ચ વધતા ખેતી ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે.
વ્યાજદર વધારાનો પણ ખતરો
રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે તો ઘરલોન અને વેપારી ધિરાણ વધુ મોંઘું બનશે.
71% લોકો ખર્ચમાં કાપ મૂકવા તૈયાર
એક સર્વે મુજબ મોટાભાગના પરિવારો હવે જરૂરી ખર્ચમાં પણ ઘટાડો કરવાની તૈયારી બતાવી રહ્યા છે.


