મોટીમારડ ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો
પ્રેમિકાને પતિ સાથે જોઈ પૂર્વ પ્રેમીએ રમ્યો હતો ખૂની ખેલ
પૂર્વ પ્રેમિકાને પતિ સાથે જોઈ ઉશ્કેરાયેલા યુવકે નવદંપતીની પાઇપના ઘા મારી હત્યા કરી તી ; એલસીબીએ બ્લાઇન્ડ કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ મથક હદના મોટીમારડ ગામની સીમમાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસનો આખરે પોલીસ દ્વારા સફળતાપૂર્વક ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. પ્રેમ, અસ્વીકાર અને બદલાની ભાવનાએ એક યુવાનને એટલી હદે અંધ બનાવી દીધો કે તેણે પોતાની પૂર્વ પ્રેમિકા અને તેના પતિની લોખંડની પાઇપ વડે નિર્દયતાથી હત્યા કરી નાખી. કોઈ સ્પષ્ટ પુરાવા વગરના આ બ્લાઇન્ડ કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી પાડી સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાશ કર્યો છે.
ગત 14 જુલાઈના રોજ મોટીમારડ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી મધ્યપ્રદેશના વતની રોહિત અને તેની પત્ની દુર્ગાના લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બંને ખેતીકામ માટે વાડીમાં રહેતા હતા. વાડી માલિકે સવારે ઘટના નજરે પડતા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મૃતક રોહિતના સસરાએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સાયબર સેલ, એફએસએલ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો કાર્યરત કરવામાં આવી હતી. ઘટનાસ્થળની આસપાસના વિસ્તારની સઘન તપાસ, ફૂટપ્રિન્ટ્સ, મોબાઇલ ડેટા, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ આસપાસના લોકો પાસેથી મેળવાયેલી માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસની શંકા સુરેશ કમલેશ બારીયા (ઉ.વ. 19) પર કેન્દ્રિત થઈ હતી. પૂછપરછમાં બહાર આવ્યું કે સુરેશ અને મૃતક દુર્ગા અગાઉ પ્રેમસંબંધમાં હતા અને બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ પરિવારજનોએ દુર્ગાના લગ્ન ગત મે મહિનામાં રોહિત સાથે કરાવી દીધા હતા. લગ્ન બાદ નવદંપતી સસરાની વાડીમાં ખેતીકામ માટે રહેવા આવ્યું હતું, જે વાત સુરેશ માટે અસહ્ય બની ગઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઘટનાના દિવસે સુરેશ દવા છાંટવાના કામ માટે નજીકની વાડીમાં આવ્યો હતો. તે દરમિયાન તેણે દુર્ગા અને તેના પતિને સાથે જોઈ લીધા હતા. આ દૃશ્ય જોઈ તેના મનમાં વર્ષોથી દબાયેલી અદાવત ફરી ભભૂકી ઊઠી હતી. શરૂઆતમાં તે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના પોતાની વાડીમાં પરત ફર્યો, પરંતુ આખી રાત દરમિયાન બદલાની ભાવનાએ તેને બેચેન રાખ્યો હતો.
મોડી રાત્રે સુરેશે પોતાની વાડીમાંથી લોખંડની મજબૂત પાઇપ લઈને દંપતી રહેતું હતું ત્યાં પહોંચ્યો હતો. તે સમયે બંને નિંદ્રાધીન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ પહેલા રોહિત પર સતત ત્રણ ઘા ઝીંકી દીધા અને બાદમાં દુર્ગા પર ચાર ઘાતક ઘા મારી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુનાને અંજામ આપ્યા બાદ તે પોતાની વાડીમાં પરત જઈ છુપાઈ ગયો હતો.
જોકે, પોલીસની સતત તપાસ, ટેક્નિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. સુરેશની ધરપકડ બાદ તેણે ગુનો કબૂલી લીધો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલ લોખંડની પાઇપ સહિતના પુરાવા પણ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કેસનો ભેદ ઉકેલવામાં એલસીબીના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ. ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત એસઓજી, પાટણવાવ પોલીસ તેમજ એફએસએલ અને સાયબર સેલની ટીમોએ પણ તપાસમાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
પ્રેમસંબંધનો અંત સ્વીકારી ન શકનાર યુવકે બદલાની ભાવનામાં બે નિર્દોષ જીવનો ભોગ લેતા આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અનિયંત્રિત લાગણીઓ અને આવેશ ક્યારેક અત્યંત કરુણ પરિણામો સર્જી શકે છે. હવે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.


