ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર
યોજનાઓ અને મહેસુલી કામગીરીના રેકોર્ડની ચકાસણી : ગુટલીબાજોમાં ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના કલેક્ટર ડૉ. ઓમપ્રકાશ દ્વારા વહીવટી પારદર્શિતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકામાં આવેલી સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
કલેક્ટરે ગોંડલ તાલુકાના પીપળીયા ગામે પહોંચીને ગ્રામ પંચાયતના સામાન્ય દફતર (રેકર્ડ)ની તપાસણી હાથ ધરી હતી. ગ્રામ્યસ્તરે સરકારી યોજનાઓનું અમલીકરણ અને મહેસૂલી કામગીરી યોગ્ય રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી.
આ ઉપરાંત, કોટડાસાંગાણી તાલુકાના નોંઘણચોરા ગામની મુલાકાત લીધી હતી. ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ સમયસર અને સરળતાથી મળી રહે, તે રીતે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.
કલેકટર સહિતના જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવતા રાજકોટ જિલ્લા કલેકટર તાલુકાઓના વિવિધ ગામડાઓની આકસ્મિક મુલાકાત કરી રહ્યા છે. કલેકટર દ્વારા શરૂ કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇકથી ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.


