ગીતા મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી; ભક્તિગીત, પૂજન અને સંગીતમય સંકીર્તનનું આયોજન
૨૯ જુલાઈ બુધવારે સાંજે ગીતાપાઠ અને સેવાભાવીઓનું સન્માન યોજાશે; ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા ભાવિકોને પધારવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત અને છેલ્લા છ દાયકાથી ભગવદ્દગીતા તથા માનવસેવાનો ગુંજારવ કરતાં જંકશન પ્લોટ સ્થિત ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં અષાઢ સુદ પૂનમ, બુધવાર તા. ૨૯ જુલાઈના રોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ વાગ્યા દરમિયાન શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે.
ગીતા વિદ્યાલયના પ્રાર્થના અને સત્સંગ સભાખંડમાં આયોજિત આ મહોત્સવમાં ભગવદ્દગીતાના ૧૨મા અને ૧૫મા અધ્યાયના સામુહિક પાઠ થશે. આ પ્રસંગે ગુરુમહિમાના પદો અને ભક્તિસંગીતની રમઝટ બોલશે. સાથે જ, મંત્રોચ્ચાર સાથે વિશ્વગુરુ ભગવદ્દગીતા, શ્રીકૃષ્ણ પરમાત્મા અને સદ્દગુરુદેવનું પૂજન-અર્ચન કરવામાં આવશે.
સંસ્થા દ્વારા ઈ.સ. ૧૯૭૩થી સતત ચલાવવામાં આવતાં નિઃશુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના ૫૪મા વર્ષના સ્વયંસેવકોનું પારિતોષિક આપીને સન્માન કરાશે. આ ઉપરાંત, સંસ્થાના વર્ષભરના કાર્યોનો અહેવાલ રજૂ થશે તથા ગુરુમહિમા વિશે પ્રેરક ઉદ્બોધન આપવામાં આવશે. મહોત્સવ દરમિયાન વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર, સંત તુલસીદાસજીની પુસ્તિકા અને ગીતાજીની સંગીતમય ઓડિયો સીડીનું રાહત દરે વિતરણ કરાશે.
છેલ્લા ૭૫ વર્ષોથી સુવિખ્યાત અને ભાવસમાધિ પ્રેરતું ગીતા વિદ્યાલય પરિવારનું સંગીતમય દિવ્ય સંકીર્તન હાર્મોનિયમ, ઢોલક, તબલા, મંજીરા અને કરતાલ જેવાં પારંપરિક વાજિંત્રો સાથે યોજાશે. કાર્યક્રમના અંતે વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથે પૂર્ણાહુતિ થશે. આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા રાજકોટના તમામ ભાવિકો, સામાજિક અગ્રણીઓ અને યોગ શિબિરના સદસ્યોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


