રેલવે સંકલનની બેઠકમાં હરિદ્વારની કાયમી ટ્રેન અંગે ફરી રજુઆત
પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા વર્ષો પહેલા અમદાવાદ પડી રહેતી છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની કરેલી જાહેરાતની ફરી યાદી અપાવતાં સૌરાષ્ટ્રના સાંસદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને ભાવનગર રેલવે ડિવીઝનની આજે રાજકોટ ખાતે સંકલન બેઠક મળી હતી. જેમાં ફરીથી વર્ષો જૂના પ્રશ્નો મૂકવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટને હરિદ્વારની કાયમી ટ્રેન આપવા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા વર્ષો પહેલા અમદાવાદ પડી રહેતી છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની કરેલી જાહેરાત રેલવે અધિકારીઓને યાદ અપાવવામાં આવી હતી.
આ અંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે આજે રાજકોટ અને ભાવનગર રેલવે ડિવીઝનની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા અને રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં સૌરાષ્ટ્રને સ્પર્શતા રેલવે અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેન આપવાની વર્ષોથી જે માંગ હતી તેની ચર્ચા કરવામાં આવી છે અને આ ટ્રેન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી ભારપૂર્વક રેલવે અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હરિદ્વાર જતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. આ યાત્રાએ જતાં પ્રવાસીઓને ઘરઆંગણેથી જ સુવિધા મળી રહે તે માટે આજે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે અમદાવાદ જંકશન પર છ જેટલી ટ્રેનો પડી રહે છે. આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો મુસાફરોને તેનો ફાયદો મળશે અને રેલવેને પણ આવક થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા અમદાવાદ પડી રહેતી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેને પણ વર્ષો વીતી ગયા છતાં આ ટ્રેનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પેસેન્જરોને હજુ સુધી મળી નથી. આ મુદ્દે પણ આજની બેઠકમાં રેલવે અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.


