પરિશ્રમ સ્કૂલમાં ગુંજી ઉઠ્યા સ્વામી વિવેકાનંદના વિચારો; “નાટ્યશાળા પ્રોજેક્ટ” હેઠળ નાટકનું સફળ પ્રદર્શન
અરવિંદભાઈ મણીયાર રિસર્ચ સેન્ટર દ્વારા સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના સિંચનનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ; વિદ્યાર્થીઓ અને તજજ્ઞો રહ્યા ઉપસ્થિત
અગ્ર ગુજરાત, રાજકોટ
યુવા પેઢીમાં સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને આત્મવિશ્વાસનું સિંચન કરવાના ઉમદા હેતુથી રાજકોટમાં ક્રિસ્ટલ મોલ સામે આવેલી નામાંકિત પરિશ્રમ સ્કૂલ ખાતે એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અરવિંદભાઈ મણીયાર રિસર્ચ સેન્ટરના “નાટ્યશાળા પ્રોજેક્ટ” અંતર્ગત યુગપુરુષ સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના વૈશ્વિક મૂલ્યો પર આધારિત આત્મજાગૃતિ સભર નાટક “સ્વામી વિવેકાનંદ” નું સફળ મંચન યોજાયું હતું.
કુશળ દિગ્દર્શક શ્રી પ્રેરકભાઈ મેરના ઉત્કૃષ્ટ દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા આ નાટકે સ્વામી વિવેકાનંદના ઓજસ્વી વિચારો અને તેમના જીવનના પ્રેરક પ્રસંગોને તાદ્રશ્ય કરીને વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત શ્રોતાઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જાનવીબેન લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ‘મનદુરસ્તી ટીમ’ના ઉત્સાહી સભ્યો અમીબેન, રેણુકાબેન મહેતા, જયભાઈ અને વિશ્વેશભાઈએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમની આધ્યાત્મિક ગરિમા વધારવા રામકૃષ્ણ આશ્રમ સાથે જોડાયેલા વેલેન્ટીનાબેન ઉમરાણીયા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌને શુભાશિષ પાઠવ્યા હતા.
પરિશ્રમ સ્કૂલના આચાર્યા માધવીબેન ડાંગરના સબળ માર્ગદર્શન અને શાળા પરિવારની જહેમતથી આ સમગ્ર આયોજન અત્યંત સફળ રહ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ચારિત્ર્ય નિર્માણની દિશામાં આ નાટ્ય મંચન એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પ્રયાસ સાબિત થયો હતો.


