બે કરતા વધુ સંતાનો ધરાવતા પોલીસ કર્મચારીને મળશે વેલફેર ફંડનો લાભ
રાજય સરકાર દ્વારા લેવાયો નિર્ણય : સંતાનોના અભ્યાસમાં રૂ.૧૦ લાખ સુધીની લોન મળશે : નવા નિયમથી પોલીસ કર્મચારીઓમાં આનંદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે કાર્યરત ‘પોલીસ વેલ્ફેર ફંડ’ (પોલીસ કલ્યાણ ભંડોળ) ના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોન, આરોગ્ય અને સંતાનોના અભ્યાસ અંગેના નિયમોને વધુ ઉદાર અને કલ્યાણકારી બનાવવામાં આવ્યા છે.
નવા નિયમો મુજબ, અત્યાર સુધી જે સરકારી યોજનાઓમાં બે સંતાનોની મર્યાદા નડતી હતી, તેમાં પોલીસ વેલ્ફેર ફંડ અંતર્ગત મોટી રાહત આપવામાં આવી છે. હવે બે કરતાં વધુ સંતાનો ધરાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ ફંડના તમામ લાભો અને સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય આપવા માટે કર્મચારીના પગારમાંથી માત્ર એક દિવસની રકમ કાપીને બાકીની લોન કે આર્થિક સહાય ચૂકવવાની સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓના સંતાનો દેશ કે વિદેશમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો કરાયો છે. ભારતમાં આવેલી માન્ય નેશનલ યુનિવર્સિટી કે કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ (Higher Education) માટે રૂ.10 લાખ સુધીની લોન મળશે. જ્યારે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ લોનની મર્યાદા રૂ.15 લાખ સુધીની કરવામાં આવી છે, જે ખૂબ જ સરળ શરતો પર મંજૂર થશે.
સરકાર દ્વારા પોલીસ વેલ્ફેર ફંડના વાર્ષિક બજેટને પણ રૂ 5 કરોડથી વધારીને રૂ.10 કરોડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ લાઈનમાં ચાલતા બાલમંદિર અને ચાઈલ્ડ કેર સેન્ટરની મહિલા કર્મચારીઓના પગારની અસમાનતા પણ દૂર કરાશે. સરકારના આ ઐતિહાસિક અને લોકાભિમુખ નિર્ણયોને પગલે રાજ્યના હજારો પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
સંતાનોના લગ્ન માટે પણ સહાયની જોગવાઇ
ઘરમાં જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે પોલીસ કર્મચારીઓને આર્થિક તંગીનો સામનો ન કરવો પડે અને વ્યાજખોરોના ચક્કરમાં ન ફસાવું પડે તે માટે સરકારે લગ્ન લોનની મર્યાદામાં મોટો વધારો કર્યો છે. અગાઉ સંતાનોના લગ્ન માટે પોલીસ કલ્યાણ ભંડોળમાંથી માત્ર દોઢ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, જેની મર્યાદા હવે વધારીને સીધી રૂપિયા 5 લાખ કરી દેવામાં આવી છે.
સ્વાસ્થય માટે પણ નિયમ
દિવસ-રાત કાળી મજૂરી કરતા અને સતત તણાવપૂર્ણ (Stressful) માહોલમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકારે આ યોજનામાં એક નવો નિયમ ઉમેર્યો છે. હવે તમામ નાના-મોટા કર્મચારીઓ માટે એક નિશ્ચિત મર્યાદાની રકમનું ફ્રી હેલ્થ ચેકઅપ નિયમિત અંતરે કરાવવામાં આવશે. આ મેડિકલ તપાસના તમામ ડેટા ડિજિટલ રેકોર્ડ તરીકે સાચવવામાં આવશે જેથી ભવિષ્યમાં સારવારમાં મદદ મળી રહે.


