ભારે વરસાદના કારણે હાઇવે ધોવાયા: રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરથી ST બસની 227 ટ્રિપ રદ
અમદાવાદ, સંતરામપુર, માંડલ અને થરા જતી બસો બંધ થતાં 10 હજારથી વધુ મુસાફરો હેરાન; એસટી નિગમને રૂ. 6.38 લાખથી વધુની આવક ગુમાવવાનો વારો આવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા ભારે વરસાદને પગલે હાઇવે સહિતના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના અને ધોવાણ થવાના કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. રસ્તાઓ બંધ થતાં રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઉપડતી કુલ 227 એસટી બસ ટ્રિપ રદ કરવાની ફરજ પડી છે. બસો બંધ રહેતા અંદાજે 10 હજારથી વધુ મુસાફરોએ ભારે રઝળપાટ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમદાવાદ તરફ જવા માટેનો બાવળાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. બગોદરા થઈને બસ મોકલી શકાય તેમ છે પરંતુ તે રૂટ ખૂબ જ લાંબો પડી જતો હોવાથી અમદાવાદ જતી અનેક બસો કેન્સલ કરવી પડી છે.” આ ઉપરાંત સંતરામપુર, માંડલ તેમજ વાયા રાધનપુર થઈને થરા જતી બસો પણ રદ કરાઈ છે. વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરતાં બંધ થયેલા રૂટ પુનઃ શરૂ કરવામાં આવશે.
બસ સેવાઓ ખોરવાઈ જવાથી રાજકોટ ડિવિઝનની દૈનિક આવકમાં રૂ. 6,38,596 નું મોટું નુકસાન થયું છે. એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, વરસાદી પાણી ઉતરી ગયા બાદ અને રસ્તા સુરક્ષિત જાહેર થતાં જ તમામ રૂટ પર બસ વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે.


