‘હું પ્રેસમાં છું…’ કહી પોલીસને ધમકાવતો બોગસ પત્રકાર ઝડપાયો
ચોથી જાગીરને બદનામ કરતું નકલી પ્રેસ આઈકાર્ડ રેકેટનો ભાંડાફોડ
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીમાં પત્રકારત્વના નામે છેતરપિંડી અને ખોટો રોફ જમાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્રેઝા કાર પર ‘PRESS’નું બોર્ડ લગાવી ફરતો અને પોતાને ક્રાઇમ રિપોર્ટર ગણાવતો શખ્સ પોલીસ તપાસમાં બોગસ નીકળ્યો હતો. પોલીસે નકલી પ્રેસ આઈકાર્ડ બનાવી આપનાર શખ્સને પણ ઝડપી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બાઈકચાલક કાસમભાઈ મોહનુદ્દીન શેખને અટકાવી પૂછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારે તેના બોલાવ્યા બાદ અસલમ હુશેનભાઈ શેખ નામનો શખ્સ ‘PRESS’ લખેલી બ્રેઝા કારમાં ત્યાં પહોંચ્યો હતો અને પોતે પ્રેસમાં હોવાનું જણાવી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે સઘન તપાસ કરતાં અસલમ પાસે રહેલું “CRIME REPORTER ALL INDIA” લખાયેલું આઈકાર્ડ બોગસ હોવાનું સામે આવ્યું હતું. તેણે આ નકલી ઓળખપત્ર રૂ. ૧૦ હજાર આપી મોરબીના રાધેશભાઈ કિશનલાલ બુદ્ધભટ્ટી પાસેથી બનાવડાવ્યાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે રાધેશભાઈ પાસે પણ કોઈ સત્તાવાર પત્રકારત્વનું પ્રમાણપત્ર નહોતું છતાં પૈસાની લાલચમાં બોગસ પ્રેસ આઈકાર્ડ તૈયાર કરી આપ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


