બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો
શાપરમાં છાતીના દુઃખાવાથી કંટાળેલા યુવાને ઝેર પીધું, શહેરમાં કોન્ટ્રાક્ટર, વિદ્યાર્થિની અને નવપરિણીતાએ પણ જીવન ટૂંકાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં આપઘાતના ચાર બનાવો સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. શાપર-વેરાવળમાં લાંબા સમયથી છાતીના દુઃખાવાથી પરેશાન યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે શહેરમાં એક યુવા કોન્ટ્રાક્ટર ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. ઉપરાંત ધોરણ-8માં અભ્યાસ કરતી સગીરાનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મોત થયું છે અને છ મહિના પહેલાં જ લગ્ન કરનારી પરિણીતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચારેય બનાવોમાં પોલીસે અલગ-અલગ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શાપર-વેરાવળના ભૂમિ ગેટ વિસ્તારની પંચશીલ શેરીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના નવી હડીયાદ ગામના 37 વર્ષીય અશોકભાઈ ગોવિંદભાઈ વાળા છેલ્લા બે વર્ષથી પરિવાર સાથે શાપરમાં રહેતા હતા અને રાજકોટમાં હીરા ઘસવાની મજૂરી કરતા હતા. છેલ્લા પાંચેક મહિનાથી તેમને છાતીમાં સતત દુઃખાવો રહેતો હતો અને સારવાર ચાલુ હોવા છતાં રાહત ન મળતાં માનસિક રીતે કંટાળી જઈ તેમણે ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા અશોકભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બે સંતાનના પિતાના અવસાનથી પરિવારમાં શોક છવાયો છે. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેરના પટેલનગર મેઈન રોડ નજીક ઓમનગર વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પાર્થ ભગવાનજીભાઈ પિત્રોડા, જે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેઓ પોતાના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બે-ત્રણ દિવસ પહેલાં તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પાર્થ ચાર બહેનોના એકમાત્ર ભાઈ હતા અને ગૃહકલેશને કારણે પત્ની છેલ્લા ચાર વર્ષથી પિયરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
ત્રીજા બનાવમાં શિવનગરમાં રહેતી 15 વર્ષીય કોમલ વિરમભાઈ ગમારા, જે ધોરણ-8માં અભ્યાસ કરતી હતી, તેણે 9 જુલાઈના રોજ એસિડ પી લીધું હતું. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ શાળા જતી વખતે ઘરકામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા તેણીને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય રૂમીના સલીમભાઈ બાવનકાએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. રૂમીનાના લગ્નને હજુ છ મહિના જ થયા હતા અને તે પતિ તથા સાસુ સાથે રહેતી હતી. બનાવ અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આપઘાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ બન્યું નથી અને બી-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
ચારેય બનાવોમાં પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પરિવારજનોના નિવેદનો તથા અન્ય પુરાવાના આધારે આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


