ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં અષાઢી બીજની ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં અષાઢ સુદ બીજને ગુરુવાર,તા.૧૬ જુલાઇના રોજ ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધાભક્તિપૂર્વક અષાઢી બીજનું પર્વ ઉજવાયુ હતું. ધૂપ-દીપ અને પુષ્પોની સુવાસથી મહેકતા ગીતા મંદિરના પ્રાર્થનાસત્સંગ સભાખંડમાં બિરાજમાન જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીની દર્શનીય પ્રતિમાઓને સુંદર વસ્ત્રાલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. સાંજે ૫-૩૦ કલાકે જય જગન્નાથના જયઘોષ સાથે જગન્નાથજી, સુભદ્રાજી,બળદેવજીની આરતી થઇ હતી. મગ ચણાની પવિત્ર પ્રસાદીનું વિતરણ થયું હતું.આ તકે મહિલા સત્સંગ મંડળના બહેનોએ સામૂહિક ભજન-સત્સંગ કર્યા હતા.સુશોભિત રથમાં બાળકૃષ્ણલાલ ઠાકોરજીને ગીતા મંદિર આસપાસ પરિભ્રમણ થયું હતું. આ પ્રસંગમાં સામાજિક, ધાર્મિક અગ્રણીઓ,જંકશન-ગાયકવાડીના વ્યાપારીઓ, દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગીતા વિદ્યાલય ટ્રસ્ટના મંદિર પરિસરમાં સંસ્થાની સ્થાપનાના વર્ષોથી શ્રી જગન્નાથજી બિરાજમાન છે. જ્યાં છેલ્લા ૬ દાયકાથી ભગવદ્દગીતા અને માનવસેવાનો ગુંજારવ થઇ રહ્યોછે તેવા દેવસ્થાન ગીતા વિદ્યાલય-ગીતા મંદિરમાં અષાઢી બીજની ઉજવણીમાં બહોળી સંખ્યામાં ભાવિકો સહભાગી થયા હતા.


