જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે આવારા તત્વો વચ્ચે ધોકાવાળી
જાહેર રસ્તા પર જ બે જૂથો વચ્ચે જામી ધમાલ; કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો
અગ્ર ગુજરાત, રાજકોટ
જામનગરના ગોકુલ નગર જકાતનાકા સર્કલ પાસે ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોના ટોળા વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના તા. 17/6/27 ના રોજ બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં અસામાજિક તત્વોનું ટોળું જાહેર રસ્તા પર એકબીજાને અપશબ્દો બોલી રહ્યું હતું અને લાકડીઓ વડે હુમલો કરી રહ્યું હતું. આ દ્રશ્યોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ હંગામો ચાલી રહ્યો હતો ત્યારે એક પોલીસ વાન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ તેણે આ તત્વોને રોકવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવારા તત્વોના આવા કૃત્યોને કારણે આસપાસના રહીશો અને રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વિસ્તારમાં ભયનો માહોલ છે અને લોકો પ્રશાસન દ્વારા આવા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.


