Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો પગભર થવાનો અવસર
“રાજકોટ વિશ્વનું અનોખું શહેર જ્યાં ૨૨ લાખની વસ્તીમાં બે લાખ રજીસ્ટર્ડ. કંપનીઓ દ્વારા અનેક રોજગારીની તકો ઉભી થઈ રહી છે” : રમેશભાઈ ટીલાળા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ટી.વી.મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગાર્ડી વિદ્યાપીઠના આંગણે યંગ ઇન્ડિયન્સ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ “Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ 2026” શિર્ષક સાથે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સ્વામી પ.પૂ. જનમંગલદાસજી તેમજ સ્વામીશ્રી પ. પૂ. યોગીચરણ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે સંસ્થાના ચેરમેન શ્રી ડી વી મહેતા, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જય મહેતા, એજ્યુમોલ અને SGISના ડાયરેક્ટર શ્રીકાંત તન્ના ઉપરાંત યંગ ઇન્ડિયન્સના ચેર શ્રી રોનક ગંગદેવ, આંત્રપ્રિનિયોર ચેર શ્રી હર્ષ દોશી પણ જોડાયા હતા.
કાર્યક્રમના દીપ પ્રજ્વલન પ્રસંગે સ્વામીશ્રી જનમંગલદાસજી એ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે આજના સમયમાં ડેડીકેશન અને ડિસિપ્લિન સાથે યુવાનોએ કામ કરવાની જરૂર છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લ્હાયમાં તેઓ પોતાની પર્સનાલિટી અને પ્રોફાઇલને વધુ નુકસાન પહોંચાડે છે જે અયોગ્ય છે. આ તકે પ્રાસંગિક ઉદ્બોધન આપતા ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા એ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનમાં શૈક્ષણિક સંસ્થાનો ઉત્સાહપૂર્વક જોડાય અને ઇન્ડસ્ટ્રી માટે સ્કિલ્ડ યુવાનો સુધી રોજગારી પહોંચાડે એ રાષ્ટ્ર નિર્માણ માટેનું ઉત્તમ કાર્ય છે. એમણે ગૌરવ સાથે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અને ખાસ તો રાજકોટમાં વસ્તીની તુલનામાં ઉદ્યોગની સંસ્થા ઘણી વધુ છે જે ગુજરાતીઓની ધંધાકીય સૂઝબુઝ ધરાવતા અભિગમની પ્રતીતિ કરાવે છે.
આ તકે ટી.વી.મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન ડી.વી.મહેતા એ શિક્ષણની જરૂરિયાત સાથે પ્રોફેશનલ ફિલ્ડમાં નિર્ણયશક્તિનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે તમારી હાજરી અને કામથી જ કોઈ કંપનીનો અને કંપની થકી તમારો વિકાસ અરસપરસ શક્ય બનશે. માત્ર મેળવવાની સ્વાર્થવૃત્તિ થકી પ્રોફેશનલ ક્ષેત્રે ગ્રોથ શક્ય બનતો નથી. સમગ્ર ઉદ્ઘાટન સત્રનું સંચાલન તેમજ આભારવિધિ સાથે સમાપન ગાર્ડી વિદ્યાપીઠના લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ચેતસ ઓઝા દ્વારા કરવામાં આવેલું.
આ જોબ ફેરમાં રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, જૂનાગઢ, ભૂજ, ગોંડલ, અમરેલી, મોરબી તથા જસદણ સહિત અનેક વિસ્તારો અને શહેરોની વિવિધ કોલેજના ફાઇનલ તેમજ પ્રિ ફાઈનલ યરના વિદ્યાર્થીઓ તેમજ વર્કિંગ પ્રોફેશનલ સહિત કુલ ૧૨૦૦ જેટલા કેન્ડીડેટ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન, આર્ટ્સ, તેમજ પેરામેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ હતા. આ આયોજન અંતર્ગત ૬૦ થી વધુ કંપનીઓ દ્વારા કુલ ૫૦૦ જેટલી અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં તેમને પ્રોબેશન દરમિયાન ૧૫ થી ૨૫ હજારનું સ્ટાઇપેન્ડ તેમજ ફુલ ટાઈમ જોબ માટે સરેરાશ ૩૫ થી ૬૫ હજાર સુધીની સેલેરી ઓફર કરવામાં આવી હતી.
આ આયોજનમાં સંસ્થાના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના હેડ પ્રો. રચિતા મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી અને આયોજનમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સંયુક્ત મહેનત રંગ લાવી હતી.


