નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા
જીવાપર ગામે જૂની અદાવતમાં મજૂર યુવકની હત્યા, ગોંડલમાં અડધી રાત્રે ઘરમાં ઘુસી છરી-પાઇપથી હુમલો : બે પરિવારોમાં કલ્પાંત
ગ્રામ્ય વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને લઈ ફરી સવાલો ઉઠ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ અસામાજિક તત્વો અને નશાખોરોના આતંકથી સામાન્ય લોકોમાં ભય ફેલાયો છે. ગઈકાલે સાંજથી મોડી રાત્રિ દરમિયાન જસદણ તાલુકાના જીવાપર ગામ અને ગોંડલ શહેરમાં બનેલી બે અલગ અલગ હત્યાની ઘટનાઓએ ગ્રામ્ય પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. બંને બનાવોમાં આરોપીઓ નશાની હાલતમાં હુમલો કરવા આવ્યા હોવાની ચર્ચા સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને નશાના વધતા પ્રભાવ અંગે પણ ચિંતા વધી છે. એક જ રાતમાં બે હત્યાના બનાવો બનતા રાજકોટ ગ્રામ્ય પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.
જસદણ તાલુકાના જીવાપર ગામમાં રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉ.વ. 35) પર સાંજના સમયે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અરવિંદભાઈ ખેતી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગામની નજીક આવેલા નવા મકાનમાંથી પોતાના જૂના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગામના ચોરા પાસે હનુમાનજીની ડેરી નજીક હરેશ લીંબાભાઈ કોળીએ તેમને અટકાવ્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ મામલો ઉગ્ર બનતા હરેશે ધોકા અને ધારદાર હથિયાર વડે અરવિંદભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના માથા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક જસદણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, અરવિંદભાઈ અને હરેશ વચ્ચે અગાઉ પણ અનેક વખત ઝઘડા થયા હતા. લગભગ એક વર્ષ પહેલા અને ત્યારબાદ ચાર મહિના પહેલા બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. હરેશને દારૂ અને અન્ય નશાની આદત હોવાને કારણે તે ગામમાં અવારનવાર ઝઘડા કરતો હોવાની પણ માહિતી સામે આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઘટના સમયે હરેશ પોતાના સગા વિપુલની ગોલાની રેકડી પાસે ઉભો હતો. અરવિંદભાઈને આવતાં જોઈ તેણે રસ્તા પર જ રોકી દીધા હતા. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ તેણે હુમલો શરૂ કરી દીધો હતો. હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
અરવિંદભાઈ પોતાના પરિવારના આધારસ્તંભ હતા. તેઓ બે દીકરા અને એક દીકરીના પિતા હતા. પિતાની અચાનક હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર જીવાપર ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.
બીજી તરફ ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં પણ મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. નિલેશભાઈ જેન્તીભાઈ શેખ (ઉ.વ. 45) પોતાના ઘરે પરિવાર સાથે સુતા હતા ત્યારે મધરાત્રે વિશાલ બાવળીયા સહિત ચાર શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા. આરોપીઓએ નિલેશભાઈ સાથે ઝઘડો કરી છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા નિલેશભાઈને પહેલા ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસો એ રહ્યો કે હુમલાખોરોએ ઘરની 13 વર્ષની બાળકી પર પણ હુમલો કર્યો હતો. મૃતકના નાનાભાઈની દીકરી ધર્મિષ્ઠાએ જણાવ્યું હતું કે, રાત્રે બધાં સુતા હતા ત્યારે વિશાલ બાવળીયા ઘરમાં આવ્યો હતો. તેણે પહેલા મોટા બાપુ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ધર્મિષ્ઠાએ દરવાજો ખોલતા આરોપીએ અપશબ્દો બોલી તેના પિતા વિશે પૂછપરછ કરી હતી. બાળકી દ્વારા ગાળો બોલવાની ના પાડતા આરોપીએ તેના હાથમાં ધોકો મારી ઇજા પહોંચાડી હતી. ઘરમાં બૂમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા, ત્યારબાદ હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, વિશાલ બાવળીયા દારૂના નશામાં વિસ્તારમાં અવારનવાર લોકો સાથે ઝઘડા કરતો હતો. મૃતક નિલેશભાઈ અને તેમના પરિવાર સાથે પણ અગાઉ અનેક વખત તકરાર થઈ હતી. જૂની અદાવત અને નશાની હાલતમાં હુમલો કરાયો હોવાની શક્યતા પોલીસ તપાસમાં સામે આવી રહી છે. નિલેશભાઈ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ત્રણ ભાઈ અને બે બહેનમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં એક દીકરો અને ચાર દીકરીઓ છે. પિતાના મોતથી પાંચ સંતાનો નિરાધાર બનતાં પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે.
એક જ રાતમાં બે હત્યાના બનાવો બનતા રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી. બંને વિસ્તારોમાં પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો હતો અને ગુનાઓ નોંધી આરોપીઓને ઝડપવા કાર્યવાહી શરૂ કરી હતી. છતાં ગ્રામ્ય વિસ્તારમાં વધતી દારૂની લત, અસામાજિક તત્વોની દાદાગીરી અને ખુલ્લેઆમ થતા હુમલાઓને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને ગુનાખોરી પર નિયંત્રણના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ સતત બની રહેલી હત્યા, મારામારી અને હુમલાની ઘટનાઓએ આ દાવાઓની અસરકારકતા પર સવાલ ઉભા કર્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, જો સમયસર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડી શકે છે.


