‘રોકાણ તો રાજકોટમાં જ…’ : REAAR નું ઐતિહાસિક સૂત્ર લોન્ચ
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોન્ચ કરાયું સૂત્ર
શહેરના વિકાસને નવી ગતિ આપવા અને રોકાણકારોનો ભરોસો મજબૂત કરવા એસોસિએશનનો મક્કમ સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ (REAAR) દ્વારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન (RBA)ના સહયોગથી તા.૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ શહેરના જાણીતા “સોલો 4” રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલ ખાતે એક ભવ્ય અને માર્ગદર્શક કાર્યક્રમ ‘Real Estate Dialogues’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર નેહલભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મેયરના હસ્તે રિયલ એસ્ટેટ માર્કેટને નવી ઊંચાઈએ લઈ જવા માટેનું મુખ્ય સૂત્ર “રોકાણ તો રાજકોટમાં જ…. સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં REAARના પ્રમુખ હિતેશ રાજદેવે મેયર સહિતના તમામ અતિથિઓ અને સભ્યોનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં રાજકોટની ભૌગોલિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “આજે આપણી પાસે અટલ સરોવર, કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજ, સેકન્ડ રિંગ રોડ, આધુનિક સ્માર્ટ સિટી, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એમ્સ (AIIMS) હોસ્પિટલ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે. બહારથી આવતા લોકો પણ જો ‘રંગીલા રાજકોટ’ ના રંગમાં રંગાઈ જતા હોય, તો આપણે ધંધા કે રોકાણ માટે બહાર માઇગ્રેટ થવાની કોઈ જ જરૂર નથી. મેયરના હસ્તે લોન્ચ થયેલું આપણું આ સૂત્ર- ‘રોકાણ તો રાજકોટમાં જ…’ એ આપણો નવો સંકલ્પ છે.”
આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે રિયલ એસ્ટેટ માર્કેટને બળ આપવા માટે રાજકોટની તમામ મુખ્ય સામાજિક અને વ્યાપારી સંસ્થાઓ એક મંચ પર આવી હતી. જેમાં આયોજક સંસ્થાઓ ઉપરાંત રોટરી ક્લબ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડિઝાઇનર્સ, એડવોકેટ્સ એસોસિએશન અને BNI ના હોદ્દેદારો તથા સભ્યો ખાસ જોડાયા હતા. આ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત બિઝનેસમેનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોઅને વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સે પણ હાજરી આપી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન પરિન ચગ દ્વારા ઉત્સાહપૂર્વક અને સુંદર શૈલીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય પેનલ ડિસ્કશન અને સંવાદના કાર્યક્રમમાં REAARના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ગઢવી મોડરેટર તેમજ સંચાલક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર દોર ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળ્યો હતો.
આ સંવાદમાં પેનલ ડિસ્કશનના મુખ્ય વક્તાઓ તરીકે રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના બહોળા અનુભવના આધારે હાજર સર્વે લોકોને અદભુત માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેમાં દાયકાઓ જૂનો રિયલ એસ્ટેટનો અનુભવ ધરાવતા શેઠ બિલ્ડર્સના મુકેશભાઈ શેઠે જણાવ્યું હતું કે, રાજકોટમાં રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટી તકો રહેલી છે અને જો યોગ્ય વિઝન સાથે ડેવલપમેન્ટ કરવામાં આવે તો અહીં ધાર્યા કરતાં પણ વધુ વળતર મળી શકે તેમ છે. ત્યારબાદ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ તેમજ ક્રેડાઈ ગુજરાતના ચેરમેન પરેશભાઈ ગજેરાએ માર્ગદર્શન આપતા કહ્યું કે, રાજકોટ આજે ચારેય દિશામાં વિકાસ કરી રહ્યું છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ, પ્લોટિંગ, ઇન્ડસ્ટ્રીયલ કે ખેતીની જમીન હાલ દરેક ક્ષેત્રમાં જોરદાર ડિમાન્ડ છે. અફોડેબલ હાઉસિંગથી લઈને શોરૂમ, દુકાનો અને અતિ લક્ઝરી ફ્લેટ્સ માટે લોકો રાજકોટને જ પ્રથમ પસંદગી આપી રહ્યા છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના લોકો અહીં આવીને સેટ થવા અને વ્યવસાય કરવા માંગે છે.
આ ચર્ચાને આગળ ધપાવતા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના ઉપપ્રમુખ તેમજ ક્રેડાઈ ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી ધ્રુવિકભાઈ તળાવિયાએ ઉમેર્યું કે, તેઓ રાજકોટ અને અમદાવાદ બંને જગ્યાએ સક્રિય છે, પરંતુ રોકાણ માટે તેમનું સૌથી પ્રિય, ગ્રોઇંગ અને લાભદાયક સ્થળ રાજકોટ જ રહ્યું છે કારણ કે રાજકોટ હંમેશાં નવી ડિમાન્ડ સાથે ‘ટ્રેન્ડ સેટર’ રહ્યું છે. જ્યારે મોટા કાર્પેટ સાઈઝના ફ્લેટો અને લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સના ટ્રેન્ડ સેટર એવા યંગ અને ડાયનામિક બિલ્ડર ડેકોરા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિખિલભાઈ પટેલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, રાજકોટની જનતા લાઈફસ્ટાઈલ અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની બાબતમાં ખૂબ જ શોખીન છે. તેમની આ યુનિક ડિમાન્ડને કારણે જ તેમને રાજકોટમાં અવનવા લક્ઝરી પ્રોજેક્ટ્સ લાવવાની પ્રેરણા મળે છે. રાજકોટમાં રોકાણ સર્વશ્રેષ્ઠ છે અને અહીં એટલી ઓપર્ચ્યુનિટી છે કે તેમને ક્યારેય બહાર જવાનો વિચાર નથી આવતો અને રાજકોટને જ દર વખતે કંઈક નવું પીરસવાનો અવસર મળતો રહે છે.
પેનલ ડિસ્કશન દરમિયાન તમામ મહાનુભાવોએ એક મહત્વનો સૂર પૂરાવ્યો હતો કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું આર્થિક કેપિટલ અને મુખ્ય હબ છે. આખા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી પુષ્કળ મૂડીનું રોકાણ રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં જ થાય છે. ઘણીવાર લોકો જોશમાં આવીને રાજકોટથી બહાર અન્ય મહાનગરોમાં રોકાણ કરવા જાય છે, પરંતુ ત્યાં પૂરતા વળતરના અભાવે અસફળતા મળે છે. અંતે, રોકાણકારો માટે રાજકોટ જ શ્રેષ્ઠ સાબિત થાય છે કારણ કે અહીં ચારેય દિશાઓમાં અભૂતપૂર્વ ઓપર્ચ્યુનિટી અને વળતર મળે છે. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વેપાર, ધંધા, ઉદ્યોગ અને ઉત્તમ જીવનશૈલી માટે સૌરાષ્ટ્ર ભરના લોકો આજે રાજકોટને જ પ્રથમ પસંદગી આપી રહ્યા છે, કારણ કે રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ જેટલું મજબૂત અને સુરક્ષિત છે તેવું અન્ય ક્યાંય નથી. આ સાથે જ કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ, મવડી, કોઠારીયા અને ભાવનગર રોડ જેવા સરાઉન્ડિંગ વિસ્તારોમાં ચાલી રહેલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગના અસંખ્ય પ્રોજેક્ટ્સ વિશે હકારાત્મક મંતવ્યો રજૂ કરી રીયલ એસ્ટેટ એજન્ટો અને રોકાણકારોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
કાર્યક્રમના અંતમાં, REAAR અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન ના સંયુક્ત સત્તાધીશો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ નીવડેલી તમામ સહયોગી સંસ્થાઓ, હાજર રહેલા સભ્યો અને આમંત્રિત મહેમાનોનો તુષારભાઈ મહેતા દ્વારા હૃદયપૂર્વક આભાર માની આ કાર્યક્રમનું ગૌરવભેર સમાપન કરવામાં આવ્યું હતું.


