જામનગરમાં મનપાનફી ટીમ પર પથ્થરમારો, આંખોમાં મરચાનો સ્પ્રે છાંટ્યો
દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન અંબર ચોકડી ફ્લાયઓવર બ્રિજ નીચે બનેલી ઘટના, લોખંડના પાઈપ લઈને તૂટી પડતા ચાર કર્મચારીઓ લોહી લુહાણ થયા: વિસ્તારમાં તણાવભરી સ્થિતી
અગ્ર ગુજરાત, જામનગર
જામનગરમાં સરકારી કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા અંબર ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. આ ટીમ જ્યારે પોતાની નિયમિત કામગીરી હેઠળ રસ્તા નડતરરૂપ ગેરકાયદે બાંધકામો હટાવી રહી હતી, ત્યારે અચાનક જ એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો હતો. આ હુમલામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ઘાયલ થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ મનપાની ટીમ પર હુમલો કર્યો હતો. કર્મચારીઓ કંઈ સમજે કે પોતાનો બચાવ કરે તે પહેલાં જ અસામાજિક તત્વોએ તેમની આંખોમાં મરચાંની ભૂકીનો સ્પ્રે છાંટી દીધો હતો. તેમજ હુમલાખોરોએ ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો અને લોખંડની પાઇપો તેમજ લાકડીઓ વડે કર્મચારીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. સરકારી કામગીરીને અટકાવવા અને મનપાની ટીમને ભગાડવા માટે અસામાજિક તત્વોએ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ હુમલામાં જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ચાર હંગામી કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહિપત દાઉડિયાને ઈજા પહોંચી હતી. તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
ફરજ પરના સરકારી કર્મચારીઓ પર આ પ્રકારે થયેલા હુમલાને પગલે મનપા પ્રશાસન અને રાજકીય અગ્રણીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી અને શાસક પક્ષના નેતા અમર મોદી સહિતના પદાધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક જી.જી. હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
આ મામલે જામનગર મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. મનપાની ટીમ પર હુમલો કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવા અને સરકારી ફરજમાં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દબાણ ઇન્ચાર્જ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, અંબર ચોકડીથી લઈ અને ભીમવાસના ઢાળિયાની વચ્ચે દબાણ કરેલું હોય, જે દૂર કરવા માટે અમારી એસ્ટેટ શાખાની ટીમ ત્યા પહોંચી હતી. તે દરમિયાન ટીમ પર હુમલો થયો હતો. માથાના ભાગે એકને પાઇપ વાગ્યો છે, એકને પથ્થર વાગ્યો છે જ્યારે એક કર્મચારીને પગમાં ઇજા થઈ છે. એકને મરચાની ભૂકી નાખવાથી આંખમાં બળતરા થાય છે.


