જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
પોલીસે રૂ.૪.૭૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો : બેની અટકાયત : ત્રણના નામ ખૂલ્યા
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર તાલુકા પોલીસે દેવકીગાલોલ ગામ નજીકથી ઈંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે એક કારને ઝડપી બે શખ્સોની ધરપકડ કરી હતી.જ્યારે આ ગુનામાં અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના ભાગરૂપે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એલ. આહિર અને તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ. ગીરીશભાઈ ભાણજીભાઈ તથા ઝવેરભાઈ પુનાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે દેવકીગાલોલથી બગસરા જતા રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને શંકાસ્પદ રીતે પસાર થતી મારૂતી સુઝુકી સ્વિફ્ટ કાર (રજી. નં. GJ-05-JB-3329) ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂની ૧૧૦૪ નંગ ‘જ્યુબિલી ગોલ્ડ રિઝર્વ વ્હિસ્કી’ (૧૮૦ એમ.એલ.) બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. ૧,૪૯,૦૪૦ આંકવામાં આવી છે. પોલીસે કાર (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦) અને બે મોબાઈલ ફોન (કિંમત રૂ. ૩૦,૦૦૦) સહિત કુલ રૂ. ૪,૭૯,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં પોલીસે રૂષાંગભાઈ મુકેશભાઈ ડાંગર (રહે. ગળથ) અને ઉદયભાઈ આપાભાઈ બસીયા (રહે. ગળથ) ની અટકાયત કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હનીભાઈ (રહે. ગોખલાણા), હરદેવ બહાદુરભાઈ જેબલીયા (રહે. દેવકીગાલોલ) અને પૃથ્વીરાજ મુન્નાભાઈ બસીયા (રહે. ગળથ) ના નામ તપાસમાં ખૂલ્યા છે, જેમને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.


