જૂનાગઢના મુસાફર પાસેથી ઝડપાયો રૂ.૧૧ કરોડનો ગાંજાનો મોટો જથ્થો
બેંગકોકથી ફલાઇટમાં આવેલા શખ્સ પાસેથી ૧૦.૯૧૧ કિલો ગાંજો પાંચ પેકેટમાંથી જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ જૂનાગઢના પેસેન્જરની ટ્રોલી બેગમાંથી સ્નીફર ડોગએ હાઇબ્રીડ ગાંજાના ક્ધસેડ કરેલા પાંચ પેકેટ શોધી કાઢ્યા હતા. કસ્ટમ વિભાગે પેસેન્જરની ધરપકડ કરી લીધી હતી. આ પેસેન્જર ટ્રોલી બેગમાં 10.911 કિલોગ્રામ એટલે કે અંદાજે 11 કિલો હાઇબ્રીડ ગાંજો લઈને આવ્યો હતો, જેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ રૂ. 11 કરોડ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જૂનાગઢનો પેસેન્જર ટ્રોલી બેગમાં પ્લાસ્ટિકમાં પેક કરી પાંચ પેકેટ લઈ આવ્યો હતો અને કસ્ટમ વિભાગના માત્ર 9 મહિનાના નાર્કોટિક્સના ટ્રેઈન્ડ નવા સ્નીફર ડૉગની મદદથી પકડી પાડવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ ડોગ અમૃતસરના અટારી જિલ્લામાં ચાર મહિનાનું હતું ત્યારે જ નાર્કોટિક્સની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પર તેની ફરજ દરમિયાનનો પહેલો નાર્કોટિક્સનો કેસ સફળ રહ્યો છે.
બેંગકોક થી અમદાવાદ આવેલી આઈજી 346 ફ્લાઈટમાં પેસેન્જર અમદાવાદ આવ્યો હતો અને તેની શંકાસ્પદ હિલચાલના પગલે કસ્ટમ વિભાગે તેની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી એરપોર્ટ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ અધિકારીઓને શંકા જતા તેની ટ્રોલી બેગની તપાસ કરતા બેગેજમાંથી પાંચ પેકેટ મળી આવ્યા હતા. જેથી કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં આ ગાંજો સપ્લાય કરવાનો હતો, પરંતુ પેસેન્જર પકડાઈ જતા ડિલિવરી લેવા આવનાર વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
ગુજરાતમાં આટલી મોટી માત્રામાં ગાંજાની હેરાફેરી થઈ રહી છે અને તાજેતરમાં કસ્ટમના કેસ થયા પછી બ્રેક વાગી ગઈ હતી, તેમ છતાં હવે હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી શરૂ થઈ જતા તમામ સેન્ટ્રલ એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી વર્ષમાં કસ્ટમ વિભાગે 300 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડ્યું છે.


