જૂનાગઢના પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવા NSUIની માંગ
કુલપતિને આવેદન પાઠવી તટસ્થ તપાસ કરાવી કાર્યવાહી કરવા રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પ્રદેશ NSUI તરફથી આપને આ આવેદનપત્ર પાઠવતા જણાવવાનું કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વ્યાપક રીતે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જુનાગઢની મહિલા કોલેજના પ્રિન્સિપાલ પ્રો. દિનેશ દઢાણિયા દ્વારા દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલન અને વિરોધ પ્રદર્શન અંગે કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે. જો વાયરલ થયેલા વિડિયોમાં દર્શાવાયેલા નિવેદનો સાચા હોય, તો તે ઉચ્ચ શિક્ષણની લોકતાંત્રિક ભાવના, વિદ્યાર્થી હિત અને બંધારણીય મૂલ્યો સાથે સુસંગત જણાતા નથી.
આથી ગુજરાત પ્રદેશ NSUI તરફથી દ્રઢ માંગણી કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા નિવેદનો અંગે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સંબંધિત પ્રિન્સિપાલ પાસેથી લેખિત સ્પષ્ટીકરણ માંગવામાં આવે., જો તપાસમાં વિદ્યાર્થી વિરોધી, શિક્ષણ વિરોધી અથવા યુનિવર્સિટીની આચારસંહિતાના વિરુદ્ધ વર્તન થયેલું સાબિત થાય, તો યુનિવર્સિટીના નિયમો મુજબ યોગ્ય શિસ્તાત્મક કાર્યવાહી કરવામાં આવે.
યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજોના શિક્ષણવિદો અને વહીવટી અધિકારીઓને બંધારણીય મૂલ્યો, વિદ્યાર્થીના અધિકારો અને જવાબદાર જાહેર વર્તન અંગે જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવે. ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે યુનિવર્સિટી સ્તરે સ્પષ્ટ નીતિ ઘડવામાં આવે.
ગુજરાત પ્રદેશ NSUI માને છે કે વિદ્યાર્થી કોઈપણ લોકશાહી સમાજનું ભવિષ્ય છે. તેમની સાથે સંવાદ, સન્માન અને સંવેદનશીલતા રાખવી એ દરેક શિક્ષણ સંસ્થાની નૈતિક અને સંસ્થાકીય જવાબદારી છે. યુનિવર્સિટી આ મુદ્દે ગંભીરતા દાખવી ન્યાયસંગત કાર્યવાહી કરવા માંગ કરી છે.
ન્યાય માટે લડતા છાત્રોને દેશદ્રોહી કહેવું અસ્વીકાર્ય : મહેશ રાજપૂત
NEET પેપર લીક મુદ્દે રાજ્યમાં રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. વિદ્યાર્થીઓને લઈને કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે. જૂનાગઢના એક પ્રિન્સિપાલ દ્વારા ન્યાયની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓને ‘દેશદ્રોહી’ ગણાવતા નિવેદન સામે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જણાવ્યું કે પોતાના હક્ક અને ન્યાય માટે અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓને દેશદ્રોહી કહેવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માત્ર પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે, જેને દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડવી યોગ્ય નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા દસ વર્ષ દરમિયાન વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના અંદાજે 34 પેપર લીક થયા હોવાના કારણે લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. પક્ષના મતે વારંવાર બનતી આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓમાં નિરાશા અને અસંતોષ વધ્યો છે.


