જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન
ટેક્નિકલ ખામીને કારણે લાયસન્સની કામગીરી અને ડ્રાઇવિંગ ટેસ્ટ વારંવાર ઠપ્પ; ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોને ધક્કા ખાવાનો વારો.
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ આરટીઓ કચેરીમાં વારંવાર સારથી પોર્ટલનું સર્વર ખોરવાય રહ્યુ છે. પોર્ટલના સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાયસન્સ સંબંધિત તમામ કામગીરી અટકી પડે છે તેના કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા રોજના 120 જેટલા વાહનચાલકોને ધરમનો ધક્કો થઇ રહ્યો છે.
આરટીઓ અધિકારીઓએ જણાવ્યુ કે, જૂનાગઢ આરટીઓ કચેરીમાં સારથી પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા કામગીરી બંધ રહે છે. જેમાં જૂનાગઢ આરટીઓમાં છેલ્લા 28 દિવસમાં સર્વર ઠપ્પને કારણે કુલ 6 દિવસ તમામ કામગીરી બંધ રહી છે. સર્વર વારંવાર બંધ થઈ જવાને ડ્રાઇવીંગ ટેસ્ટમાં રોજીંદા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના મળીને કુલ 120 કે તેથી વધુ અરજદારો આવી રહ્યા છે. જેને દૂર દૂરથી ધક્કો થઇ રહ્યો છે આમ સર્વર ઠપને કારણે અરજદારોને મુશ્કેલી વધી છે.
સારથી પોર્ટલ એપ્લિકેશન હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેસ્ટ ટ્રેક સિસ્ટમ સાથે લિંક થઈ ગઈ છે.જેને કારણે જેટલીવાર સારથી પોર્ટલ બંધ થાય એ તમામ સમયમાં બંને ટ્રેક પરની કામગીરી બંધ રહે છે. જેેને કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને હાલાકી પડે છે. જૂનાગઢ આરટીઓ કચેરીમાં કલાર્કની કામગીરીમાં આશરે 15 જેટલો સ્ટાફ છે. આમાંથી હાલ વસ્તીગણતરીની કામગીરી અડધા સ્ટાફને ફાળવવામાં આવી છે. જેને કારણે આરટીઓ કચેરીમાં ચાર્જમાં તેમજ એક વ્યક્તિને એકથી વધુ કામગીરી સોપાયેલી છે. જેને કારણે કામગીરી ધીમી થઇ રહી છે.


