કોપર વાયરની ચોરીનો આરોપ જીવલેણ બન્યો
મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો
ફેક્ટરી માલિકના પુત્ર, મેનેજર સહિત 9 સામે હત્યાનો ગુનો; મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદ પરથી તમામની અટકાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર નજીક કુવાડવા રોડ વિસ્તારના મઘરવાડા ગામે આવેલી એક ખાનગી એલોય ફેક્ટરીમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ફેક્ટરીમાંથી કોપર વાયર ચોરી કરવાનો આરોપ મૂકીને ઉત્તર પ્રદેશના 40 વર્ષીય મજૂરને ખાટલા પર ઉંધો સુવડાવી દોરી વડે બાંધી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ માલિકના પુત્ર, મેનેજર અને અન્ય કર્મચારીઓએ પ્લાસ્ટિકની નળી તેમજ મશીનના પટ્ટા વડે લગભગ એક કલાક સુધી વારાફરતી માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. કુવાડવા રોડ પોલીસે મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદના આધારે ફેક્ટરી માલિકના પુત્ર સાહિલ ભાવેશભાઈ લીંબાસીયા, મેનેજર શની રૈયાણી સહિત કુલ નવ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તમામને અટકાયતમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૃતક ચંદ્રવીર ભગવતીભાઈ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના બહેરાઈચ જિલ્લાના રહેવાસી હતા અને છેલ્લા બે મહિનાથી મઘરવાડાની કાવ્યા એલોય પ્રા. લિ.માં મજૂરી કરતા હતા. તેમના કુટુંબી ભાઈ સર્વેશ ચૌહાણ પણ એ જ ફેક્ટરીમાં કામ કરે છે.
સર્વેશના જણાવ્યા પ્રમાણે 21 જુલાઈની રાત્રે ચંદ્રવીરે રાજકોટ જવાનું કહી રહેવાની ઓરડી છોડી હતી. મોડી રાત્રે ફેક્ટરીમાંથી આશરે 25 કિલો જેટલો કોપર વાયર પ્લાસ્ટિકના કોથળામાં ભરી લઈ જતો હતો ત્યારે મેનેજર અને અન્ય લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને પરત ફેક્ટરીમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે સર્વેશ કામ પર પહોંચ્યો ત્યારે ફેક્ટરીના ગેટ પાસે ચંદ્રવીરને ખાટલા પર ઉંધો સુવડાવી દોરીથી બાંધેલો જોયો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓ વારંવાર પૂછતા હતા કે ચોરીમાં તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે. જવાબ ન મળતાં પ્લાસ્ટિકની નળી અને મશીનના પટ્ટાથી સતત માર મારવામાં આવતો હતો. સર્વેશે પોતે પણ આરોપીઓને વિનંતી કરી હતી કે હવે માર બંધ કરો, નહીં તો ચંદ્રવીર જીવતો નહીં રહે. પરંતુ ફરિયાદ અનુસાર માલિકના પુત્ર સાહિલે “આજે તો તેને ચોરીની સજા આપવાની જ છે” તેમ કહી મારકૂટ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલી આ મારકૂટ બાદ ચંદ્રવીર બેભાન થઈ ગયો હતો.
મારકૂટ બાદ આરોપીઓએ ચંદ્રવીરને રહેવાની ઓરડીમાં સુવડાવી દીધો હતો. થોડા સમય પછી સર્વેશને તેને પાણી પીવડાવવા મોકલવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા ચંદ્રવીર બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. તેને બોલાવવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ ફેક્ટરી સંચાલકોને જાણ કરવામાં આવી અને અંતે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, તબીબોએ તપાસ બાદ ચંદ્રવીરને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં કુવાડવા રોડ પોલીસે સર્વેશ ચૌહાણની ફરિયાદના આધારે સાહિલ ભાવેશભાઈ લીંબાસીયા, મેનેજર શની રૈયાણી, પાર્થ હાપલીયા, ડેનીશ હાપલીયા, સત્યમ ડોબરીયા, રમેશ સિદ્ધાર્થ, વિશાલ જાટપ, રાજુ ઠાકોર અને મુન્ના વર્મા સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસે તમામ આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. ઘટનાના ચોક્કસ કારણો, મારકૂટમાં કોની કેટલી ભૂમિકા હતી અને ચોરીના આરોપ બાદ કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે જાતે જ સજા આપવાનો નિર્ણય કેમ લેવાયો, તે સહિતના તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ચોરીના આરોપની સત્યતા તપાસવી અને કાયદાકીય પ્રક્રિયા અનુસરવાને બદલે આરોપીઓએ જાતે જ પૂછપરછ અને સજા આપવાનો માર્ગ અપનાવ્યો હતો. આ ગેરકાયદેસર વર્તન આખરે એક મજૂરના મોતમાં પરિણમ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસના તમામ પાસાઓની વૈજ્ઞાનિક અને કાયદેસરની રીતે તપાસ કરવામાં આવી રહી છે, હાલ ડીસીપી હેતલ પટેલ એસીપી જાધવની રાહબરીમાં પીઆઇ એ. એન. જાની, રાઇટર અજીતભાઈ લોખીલ, હિતેષભાઇ માલકીયા સહિતે ગુનો નોંધી ડી. સ્ટાફની મદદથી તમામ આરોપીઓને પુછતાછ માટે અટકાયત કરી વિશેષ તપાસ હાથ ધરી છે.


