લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાયો
સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર બનશે : કેન્દ્રીય પ્રધાન પાટીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનારી મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાના સક્રિય વિચારક અને માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાઈ ગયો હતો. લોકભારતી સણોસરા ખાતે કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ વિરાટ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતના અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્દ્રમાં રહેલી છે અને કલ્પસર સાકાર થવાથી સૌરાષ્ટ્ર પ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ તરીકે ઉભરી આવશે.
કેન્દ્રીય પ્રધાન પાટીલે પોતાના ઉદબોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા પીવાના પાણી તથા સિંચાઈ સંબંધી આંકડાકીય સ્થિતિ અને ઉપલબ્ધિઓ રજૂ કરી હતી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાણી વાપરવું એ આપણો અધિકાર છે પરંતુ ધરતી માતાનું એ ઋણ ચૂકવવું આપણી પવિત્ર ફરજ છે. તેઓએ જળસંગ્રહ માટે ઉપસ્થિત જનમેદનીને અનુરોધ કર્યો હતો અને સન્માનિત વિનુભાઈ ગાંધી દ્વારા કલ્પસર માટે કરવામાં આવેલા અભિયાન કાર્યોને વંદન કર્યા હતા. આ વિરાટ બહુહેતુક યોજના અંગે સરકાર ખૂબ સક્રિય હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.
પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીએ અગાઉ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પસર યોજના માટે નાળિયેર નાખીને કરાયેલો સંકલ્પ હવે ટૂંક સમયમાં સાકાર થશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, ખંભાતનો અખાત વિસ્તાર એ પ્રકૃતિએ આપણને આપેલી ખૂબ મોટી ભેટ છે, જ્યાં કલ્પસર સાકાર થવા જઈ રહ્યું છે. કલ્પસર સહયોગ સમિતિના સંયોજક પુરષોત્તમભાઈ કમાણી અને અન્ય મહાનુભાવોના હસ્તે વિનુભાઈ ગાંધીને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. આ સન્માનમાં તેઓને મળેલી રૂપિયા ૧૧,૧૧,૧૧૧ ની રકમમાં પોતાના તરફથી બીજા રૂપિયા ૧૧,૧૧૧ ઉમેરીને, આ ભગીરથ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે સમગ્ર રાશિ સન્માનિત વિનુભાઈ ગાંધીએ સંસ્થાને પરત અર્પણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


