માલધારી–કોઠારીયા ફાટક વચ્ચે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત
35 વર્ષીય મૃતકની ઓળખ માટે આજીડેમ પોલીસની અપીલ; વાલીવારસને તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના માલધારી ફાટક અને કોઠારીયા સોલવન્ટ ફાટક વચ્ચે રેલવે ટ્રેક પર બનેલી દુર્ઘટનામાં એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં કરૂણ મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી ન હોવાથી આજીડેમ પોલીસે તેના પરિવારજનો અથવા ઓળખીતાઓને આગળ આવી સંપર્ક કરવા અપીલ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 18 જુલાઈની મોડી રાત્રે આશરે 1:45 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. ટ્રેનના ડ્રાઇવર કુલદીપભાઈએ ટ્રેક પર ગંભીર હાલતમાં પડેલા યુવકને રીબડા રેલવે સ્ટેશન સુધી પહોંચાડ્યો હતો. ત્યાં હાજર ઇએમટી તબીબ દિનેશભાઈ ચૌધરીએ તપાસ કર્યા બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. એમ. જાડેજા અને સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોંચીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક આશરે 35 વર્ષનો, ઘઉંવર્ણનો અને પાતળા બાંધાનો છે. તેની ઓળખ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મૃતકના પરિવારજનો અથવા તેને ઓળખતા કોઈ વ્યક્તિએ આજીડેમ પોલીસનો મોબાઇલ નં. 74338 14808 અથવા 98253 57007 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પીએસઆઈ જે. એમ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


