મનપાનું તા.૨૫મીએ જનરલ બોર્ડ, કોંગ્રેસના એક પણ નગરસેવક પ્રશ્ન નહીં પૂછે
ભાજપના 33 પ્રશ્નોની થશે ચર્ચા : પાઇપલાઇનની કામગીરી સહિતના મુદ્દે તડાપીટ બોલશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા શાસકોએ 28 જૂને કાર્યભાર સંભાળ્યા બાદ મહિનાની અંદર પ્રથમ જનરલ બોર્ડની બેઠક આગામી 25 જૂને યોજાનાર છે. બેઠકમાં મહાપાલિકાના સેક્રેટરીપદે ડૉ. રૂપારેલિયાની નિયુકિત માટે ઠરાવ કરવામાં આવશે. જનરલ બોર્ડની આ બેઠકમાં ભાજપના જ 15 નગરસેવકો 33 પ્રશ્નો સાથે બોર્ડ ગજવશે. જ્યારે કોંગ્રેસના સાતમાંથી એક પણ નગરસેવકને પ્રજાલક્ષી પ્રશ્ન પુછવાનું સુઝ્યું નથી.
મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આગામી તા. 25 જૂને મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતનભાઈ પટેલનો પ્રશ્ન પ્રથમ ક્રમે છે. તેઓએ આવાસ યોજના સંબંધી પ્રશ્ન કર્યો છે. જેમાં આવાસ યોજના વિભાગની છેલ્લા 1 વર્ષની કામગીરીનો હિસાબ તેઓએ માંગ્યો છે. એક વર્ષમાં જેટલાં આસામીઓએ હપ્તા ભરપાઈ કર્યા નથી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી?
ખાલી આવાસોમાં ગેરકાયદે કબજો જમાવી રહેલા આસામીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી અને ટાઉન પ્લાનિંગ શાખાની કુલ સ્ટાફની વિગતો કામગીરી સાથે આપવા તેમજ ફિલ્ડ સ્ટાફમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તે પૈકી છેલ્લા એક વર્ષમાં શું કામગીરી કરવામાં આવી તેની વિગતો તેઓએ માંગી છે.
વોર્ડ નં.10ના મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાએ શહેરમાં જ્યાં જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઇ ગઇ હોય અને કનેકશન અપાઈ ગયા હોય તેવા વિસ્તારોમાં ચોમાસા પહેલા પેચવર્ક કરવા અને પાઇપ લાઈનની કામગીરી થઇ ગઇ હોય તેવા કેટલાં વિસ્તારોમાં પેચવર્ક કરવામાં આવ્યું છે તેમજ જ્યાં પેચવર્ક થયું નથી તે ક્યાં કારણોસર થયું નથી તે બાબતનો પ્રશ્ન કર્યો છે.
જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 15 કોર્પોરેટરોએ 33 પ્રશ્નો કર્યા છે તેમાં કેતન પટેલના બે, સંજય ચાવડાના ત્રણ, જ્યોત્સના ટીલાળાના ત્રણ, ડો. રિંકલ મેઘાણીના બે, કિર્તિબા રાણાના બે, મહેશ પીપળીયાના એક મોહિતસિંહ જાડેજાના બે, સોનલ સેલારાના એક, પંકજ લુણાગરીયાના બે, ધૈર્ય પારેખના એક, શૈલેશ વસાણીના બે, રાજુ અઘેરાના ત્રણ, દર્શન પેગ્યાતરના ત્રણ, જાનકી કાટોડિયાના ત્રણ અને રક્ષિત કલોલાના કુલ ત્રણ પ્રશ્નોનો સમાવેશ થાય છે.


