ડિમોલેશન સમયમાં રૂ.૮ના ભાવે ખરીદી કરતા થયેલા વિવાદ બાદ
મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે વર્ષ માટે ૧૫૨ જેટલી વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાકટ આધારિત ટેન્ડર પ્રસિધ્ધ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન પાણી પાછળ થયેલા લાખો રૂપિયાના ખર્ચને લઈને વિવાદ યથાવત છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પાણીની ખરીદીના દર મામલે હવે કડકાઈ દાખવતી હોય તેવી સ્થિતિ સામે આવી છે. અગાઉ મનપા દ્વારા 200 ML પાણીની બોટલ રૂ.8ના ભાવે ખરીદવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે વર્ષ માટે 152 જેટલી વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાક્ટ આધારિત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં 200 ML પાણીની બોટલનો મહત્તમ ભાવ રૂ.3.50 નક્કી કરવામાં આવ્યો છે.
ટેન્ડરમાં 500 ML પાણીની બોટલ માટે રૂ.6 અને એક લિટરની બોટલ માટે મહત્તમ રૂ.10નો દર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 20 લીટર પાણીના જગ માટે રૂ.20નો ભાવ નક્કી કરાયો છે. અગાઉની ખરીદીના ભાવની સરખામણીમાં નવા નક્કી કરાયેલા દરો સામે આવતા પાણીની ખરીદીમાં થતા ખર્ચને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, આગામી દિવસોમાં એજન્સીઓ દ્વારા 3.50 રૂ. કરતા પણ ઓછા ભાવે પાણી પૂરું પાડવા બાબતે રસ દાખવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.
જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કામગીરી દરમિયાન રાજકોટ મનપાએ પાણી પાછળ અંદાજે રૂ.23 લાખનો ખર્ચ ચોપડે દર્શાવ્યો હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી રકમ પાણી પાછળ ખર્ચવામાં આવી હોવાના મુદ્દે અગાઉથી જ સવાલો ઊઠી રહ્યા છે. હવે પાણીની બોટલ અને જગના નવા નક્કી કરાયેલા દરો સામે આવતા આ ખર્ચ અંગે વધુ ચર્ચા શરૂ થઈ છે.
બીજી તરફ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચને લઈને ઉભા થયેલા વિવાદની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની રચનાને 35 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે અહેવાલ જાહેર થયો નથી.
મહત્વનું છે કે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં સમિતિના આશરે ત્રણ અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. જેના કારણે તપાસની ગતિ અને સમગ્ર પ્રક્રિયાને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.
ગોકળગતિએ ચાલતી તપાસથી અનેક સવાલો
જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના ખર્ચના મુદ્દે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓનું મૌન યથાવત રહેતા વિપક્ષ તેમજ શહેરના લોકોમાં પણ ચર્ચા તેજ બની છે. 35 દિવસથી ચાલતી તપાસ છતાં સત્તાવાર નિવેદન સામે ન આવતાં તપાસ સમિતિની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે પાણીની ખરીદી માટે નવા રેટ કોન્ટ્રાક્ટમાં 200 ML બોટલનો મહત્તમ ભાવ રૂ.3.50 નક્કી કરવામાં આવતા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન દર્શાવાયેલા રૂ.23 લાખના પાણીના ખર્ચ અંગે મનપા કઈ રીતે સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.


