સરકારી જમીનમાં ગાંજાની ખેતી કરતા ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સખત કેદ
રેવાણીયા ગામના 2023ના કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટનો ચુકાદો; રૂ.40 હજારનો દંડ પણ ફટકારાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરી વેચાણના હેતુથી માદક પદાર્થનો જથ્થો રાખવાના કેસમાં રાજકોટની અધિક સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રાજુભાઈ છગનભાઈ જમોડ (ઉં.42)ને દોષિત જાહેર કરીને ચાર વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. ઉપરાંત આરોપી પર રૂ.40 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક વલણ દર્શાવતા આ ચુકાદામાં અદાલતે આરોપીની સમગ્ર વર્તણૂકની પણ નોંધ લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2023માં એસઓજી શાખાને બાતમી મળી હતી કે રેવાણીયા ગામે તળાવ નજીક આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર ખેતી કરવામાં આવી રહી છે અને ત્યાં ઉગાડવામાં આવેલા ગાંજાનો જથ્થો આરોપીએ પોતાના કબ્જામાં રાખ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે વીંછિયા મામલતદાર કચેરીના કર્મચારીઓને પંચ તરીકે સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સરકારી જમીન પર ઉભા કરાયેલા કાચા બાંધકામના બે રૂમ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન એક રૂમમાં અનાજની પેટી પાસે રાખેલા કાળા રંગના કોથળામાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. સ્થાનિક એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવવામાં આવતા તે ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ વજન કરતાં કુલ 5 કિલો 280 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન આરોપી પાસે ગાંજાની ખેતી કરવા અથવા તેનો જથ્થો રાખવા માટે કોઈ કાયદેસર પરવાનગી, પાસ કે લાઇસન્સ મળી આવ્યું નહોતું. વધુમાં તપાસમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને ખેતી કરવામાં આવી હોવાની સાથે વીજળીનું અનધિકૃત કનેક્શન પણ લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ તમામ મુદ્દાઓને પોલીસે કેસમાં મહત્વના પુરાવા તરીકે રજૂ કર્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે દરોડાની કાર્યવાહી અને તપાસની પદ્ધતિ સામે અનેક વાંધા ઉઠાવ્યા હતા. રેઇડ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન થયું ન હોવાની તેમજ આરોપીના અધિકારોનું હનન થયાની દલીલો કરવામાં આવી હતી. ઉપરાંત સાક્ષીઓના નિવેદનોમાં વિસંગતતા હોવાનું પણ કોર્ટના ધ્યાન પર દોરવામાં આવ્યું હતું.
બીજી તરફ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાએ દલીલ કરી હતી કે દરોડા દરમિયાન મામલતદાર કચેરીના કર્મચારીઓ પંચ તરીકે હાજર રહ્યા હતા અને સ્થાનિક એફએસએલ અધિકારીએ સ્થળ પર જ માદક પદાર્થનું વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યું હતું. સરકાર પક્ષે રજૂ કરેલા પુરાવા, પંચ સાક્ષીઓની જુબાની અને એફએસએલના અભિપ્રાયને વિશ્વસનીય માનતા કોર્ટે બચાવ પક્ષની દલીલો ફગાવી દીધી હતી.
અધિક સેશન્સ જજ આઈ.બી. પઠાણે સમગ્ર પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ રાજુભાઈ જમોડને એનડીપીએસ કાયદા હેઠળ દોષિત ઠરાવી ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.40 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદાને ગેરકાયદેસર માદક પદાર્થોની ખેતી અને વેપાર સામે કાયદાની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.


