મારવાડી કોલેજ કેમ્પસમાં એન્જિનિયરિંગના છાત્રની જિંદગીનો અચાનક અંત
ચક્કર આવી અચાનક બેભાન થયા બાદ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો; હિટ સ્ટ્રોકની આશંકા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મોરબીના 18 વર્ષીય વિદ્યાર્થીનું અચાનક મોત થતાં પરિવાર અને મિત્રવર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોલેજ દરમિયાન અચાનક ચક્કર આવી જતાં વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ગરમીના પ્રકોપને કારણે હિટ સ્ટ્રોકની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, મોરબી જિલ્લાના સનાળા ગામના રહેવાસી ધ્રુવરાજ મહેશભાઈ ગોહેલ મારવાડી યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગુરુવારે બપોરે અંદાજે સાડા ત્રણ વાગ્યાના સમયે તે કોલેજ પરિસરમાં હાજર હતો ત્યારે અચાનક તેની તબિયત બગડી હતી અને ચક્કર આવી જતાં જમીન પર ઢળી પડ્યો હતો. સાથી વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓએ તાત્કાલિક તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું.
પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે, જોકે હાલના તબક્કે ગરમીના કારણે હિટ સ્ટ્રોકની શક્યતા નકારી શકાય તેમ નથી.
ધ્રુવરાજ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેના પિતા મોરબીમાં વાહન રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. એક ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો ધ્રુવરાજ દરરોજ કોલેજની બસ દ્વારા મોરબીથી રાજકોટ અપડાઉન કરતો હતો. અભ્યાસમાં હોંશિયાર અને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા યુવાનના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


