શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની કંપનીમાં 50 લાખના સ્ક્રેપની ચોરી
CCTVએ ખોલી કરતૂત, કંપનીના જ બે કર્મચારીઓ પર ચોરીનો આરોપ; બાચકામાં ભરી કિંમતી ધાતુ લઈ જતા હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાં આવેલી રાજન ટેક્નોકાસ્ટ કંપનીમાં રૂ.50 લાખના કિંમતી ટંગસ્ટન સ્ક્રેપની ચોરીનો મામલો સામે આવતા ઉદ્યોગજગતમાં ચર્ચા જાગી છે. ખાસ વાત એ છે કે પ્રાથમિક તપાસમાં કંપનીના જ બે કર્મચારીઓએ આ ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.
શાપર ગામ મેઈન રોડ નજીક રહેતા અને રાજન ટેક્નોકાસ્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કૃશાંતભાઈ ઉર્ફે કાળુભાઈ શૈલેષભાઈ ખુંટે શાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને CNC મશીનિંગનું ઉત્પાદન કાર્ય થાય છે અને આશરે 300 કર્મચારીઓ કાર્યરત છે. ફરિયાદ અનુસાર, CNC મશીનોમાં વપરાતા ટંગસ્ટન ઇન્સર્ટ ટૂલ્સનો અંદાજે 1000 કિલોગ્રામ જેટલો સ્ક્રેપ છેલ્લા કેટલાક સમયથી કંપનીના સ્ટોરરૂમમાં સંગ્રહિત હતો. આ જથ્થો વેચાણ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન સ્ટોરરૂમની તપાસ કરતાં આખો સ્ક્રેપ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. તેની બજાર કિંમત અંદાજે રૂ.50 લાખ હોવાનું જણાવાયું છે.
માલ ગુમ થયાની જાણ થતાં કંપનીના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. તેમાં 3 જૂનના રોજ સવારે કંપનીમાં નોકરી કરતા વિપુલ મોહન ખાનડર અને નિતેશ હરેન્દ્ર ઠાકુર નામના કર્મચારીઓ સ્ટોરરૂમમાંથી સફેદ બાચકામાં ટંગસ્ટન સ્ક્રેપ ભરી બહાર લઈ જતા દેખાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાને પગલે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. શાપર પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને ચોરી કરાયેલ સ્ક્રેપ ક્યાં વેચાયો તથા તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજન ટેક્નોકાસ્ટ કંપની ધારાસભ્ય રમેશ ટીલાળાના પિતરાઈ ભાઈના પુત્ર દુષ્યંત ટીલાળાની માલિકીની હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.


