મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો
૫૮૫૯ કીલો અખાદ્ય સામગ્રીનો નાશ; ‘મિલ્ક ડ્રાઇવ’ હેઠળ ૯૬ નમૂના લેબમાં મોકલાયા — પરંતુ મોટા મોલ, ક્લાઉડ કીચન અને નોનવેજ વેપારીઓ સામે તપાસ ફીકી રહેતા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને નાગરિકોને શુદ્ધ ખાદ્યસામગ્રી મળી રહે તે માટે મેયર ડો. નેહલ શુક્લ દ્વારા આપવામાં આવેલા કડક આદેશો બાદ મનપાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, ગત ૧૫ જૂનથી શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક મહિનામાં ફૂડ શાખાએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૦૯૫ નાની-મોટી ખાણીપીણીની પેઢીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ૧૦૯૫ સ્થળો પર રૂબરૂ જઈને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરાઇ હતી. જેમાં ગંભીર બેદરકારી દાખવનાર ૩૧૫ ધંધાર્થીઓને કાયદેસરની નોટિસ અને ₹૭,૨૭,૨૦૦ની દંડાત્મક પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ૫,૮૫૯ કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતી ૨૬ દુકાનો/એકમો સીલ કરવામાં આવ્યા છે. દૂધ અને માવાની ભેળસેળ અટકાવવા ખાસ ડ્રાઇવ યોજી ૯૬ શંકાસ્પદ નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે.
મનપાની આ કામગીરી વચ્ચે કેટલાક ગંભીર પ્રશ્નો પણ સામે આવ્યા છે. જેમાં સમગ્ર ઝુંબેશ દરમિયાન મોટાભાગની તપાસ માત્ર શાકાહારી આહાર વેચતા નાના ધંધાર્થીઓ પર જ કેન્દ્રિત રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. શહેરના ચર્ચિત કે મોટા નોનવેજના ધંધાર્થીઓ સામે કોઈ ઉલ્લેખનીય કે દંડનીય કાર્યવાહી કરવામાં આવી નથી. વિશાળ પાયે ફૂડ પાર્સલ સપ્લાય કરતા ઓનલાઇન ક્લાઉડ કિચનો અને મોટા કોમર્શિયલ મોલ સુધી ફૂડ શાખાની ટીમ પહોંચી જ નથી.
૧૦૯૫ સ્થળોની તપાસનો આંકડો કાગળ પર ખૂબ મોટો દેખાતો હોવા છતાં મોટા પ્લેયર્સને બાકાત રાખવામાં આવતા શહેરીજનોમાં ચર્ચા જાગી છે. નાગરિકોની માંગ છે કે નાના વેપારીઓની સાથે મોટા મોલ, ઓનલાઇન ફૂડ ડિલિવરી સેન્ટરો અને નોનવેજ વિક્રેતાઓ સામે પણ સમાન રીતે કડક કાર્યવાહી કરવામાં આવે.


