ઉપલેટામાં પાલિકા તંત્રની બેદરકારીથી માસૂમ વિદ્યાર્થી ખુલ્લી કુંડીમાં ખાબક્યો
નગરસેવકે જાતે ઢાંકણા ફીટ કરાવ્યા: કુંડી રિપેરિંગના લાખોના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, રોષે ભરાયેલા લોકો દ્વારા કચેરીના ઘેરાવની માંગ ઉઠી
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની અત્યંત ગંભીર અને અમાનવીય બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં આવેલી હોલી ક્રોસ શાળામાં અભ્યાસ કરતો એક નાનો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ અચાનક રસ્તા પરની ખુલ્લી કુંડીમાં ખાબકી ગયો હતો. સદનસીબે આસપાસ હાજર લોકોએ તાત્કાલિક દોડી જઈને બાળકને બહાર કાઢતા તેનો જીવ બચી ગયો હતો. જોકે, આ ઘટનામાં બાળકને ઈજાઓ પહોંચી હતી અને તે અત્યંત ગભરાઈ ગયો હતો. જો લોકોએ સમયસર બચાવ્યો ન હોત, તો ગૂંગળાઈને કે ડૂબી જવાને કારણે આ માસૂમ બાળકનું ચોક્કસ મોત નિપજ્યું હોત.
આ ખુલ્લી કુંડીઓ અંગે સ્થાનિક નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજાએ નગરપાલિકાને લોકેશન સાથે અગાઉથી જ લેખિત ફરિયાદ કરી હતી, તેમ છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં કે તપાસ કરવામાં આવી ન હતી. ઘટના બાદ તંત્રની નિષ્ક્રિયતા જોઈને નગરસેવક જાડેજાએ જાતે જ શાળાની આસપાસની ખુલ્લી કુંડીઓ પર ઢાંકણા ફીટ કરવાની કામગીરી કરી હતી અને નગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડાવી તેમની નબળાઈ સાબિત કરી હતી. આ જીવલેણ ઘટનાથી વાલીઓ અને શાળા સંચાલકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકા પર માત્ર ટકાવારી અને ભ્રષ્ટાચારમાં જ રસ દાખવવાનો શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. અગાઉ પણ ઉપલેટામાં ખાડામાં બાળક પડવાની, વોર્ડ નંબર 8માં ખુલ્લી કુંડીમાં ગાય માતા પડવાની અને એક વાન ખાબકવાની ઘટનાઓ બની ચૂકી છે. પાલિકા દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં 40 થી 60 લાખ રૂપિયા કુંડીઓના રિપેરિંગ માટે ફાળવવામાં આવ્યા હોવા છતાં, હલકી ગુણવત્તાના કામને કારણે કુંડીઓ તૂટીને ભૂકો થઈ ગઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર પાપડા મૂકીને ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
ભૂગર્ભ ગટર અને ‘નલ સે જલ’ યોજનાના ખાડાઓ તથા ખુલ્લી કુંડીઓએ લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે. આ બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે જાગૃત નાગરિકોમાં હવે સ્વૈચ્છિક રીતે નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની માંગ ઉઠી છે. ચૂંટણી વખતે મતની ભીખ માંગવા આવતા નેતાઓ અત્યારે ગાયબ છે, ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકા ભ્રષ્ટાચારથી પાસ થયેલા લાખો રૂપિયાના બિલોની રિકવરી કરશે કે પછી હજુ પણ નવી ટકાવારી સેટ કરીને લોકોના જીવ જોખમમાં મુકશે તેના પર સૌની નજર મંડાયેલી છે.


