છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો
અમદાવાદમાં હત્યા કેસમાં જામીન પર છૂટ્યા બાદ ફરાર, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી પોલીસને મળી સફળતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેન્જ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદમાં હત્યા કેસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ છ વર્ષથી ફરાર રહેલો કેદી આખરે પોલીસના હાથે ચડી ગયો છે. રાજકોટ રેન્જની વિશેષ ટીમે સુરેન્દ્રનગરમાંથી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલો અમનખાન રહીમખાન પઠાણ નામનો કેદી વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં વચગાળાના જામીન પર છૂટ્યો હતો. જોકે જામીનની મુદત પૂર્ણ થયા બાદ તે ફરી જેલમાં હાજર રહ્યો નહોતો અને છેલ્લા છ વર્ષથી ફરાર થઈ ગયો હતો.
આ મામલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા તમામ જિલ્લાઓની જેલોમાંથી પેરોલ અથવા જામીન પર છૂટ્યા બાદ પરત ન ફરનાર કેદીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના બાદ રાજકોટ રેન્જની ટીમે સક્રિય બની આવા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું હતું.
પીઆઇ આર.એચ. બારની માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા સહિતની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને સતત વોચ રાખીને આરોપીના હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ફરાર આરોપી સુરેન્દ્રનગર ખાતે રહે છે. આ માહિતીના આધારે ટીમના સભ્યો ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ઝાલા અને દિલીપસિંહ સિંધવે સુરેન્દ્રનગરમાં નુરેમહંમદી સોસાયટી વિસ્તાર પર નજર રાખી હતી.
અંતે આરોપી અમનખાન પઠાણને નુરેમહંમદી સોસાયટીના નાકા પાસે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં પરત સોંપવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીને લઈને પોલીસ વિભાગમાં સંતોષની લાગણી વ્યાપી છે. રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ફરાર કેદીઓને શોધી કાઢવા માટે હાથ ધરાયેલા અભિયાનને વધુ વેગ મળશે તેવું માનવામાં આવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ અનેક કેદીઓ જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ પરત ન ફરતા હોવાના કેસો સામે આવી રહ્યા છે. આવા તમામ કિસ્સાઓમાં સખત કાર્યવાહી કરીને ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


