રાતૈયા ગામે ખુંટીયાએ મહિલાને ઢીંકે ચડાવતા ગંભીર ઇજા
પાળ ગામની 50 વર્ષીય ગૌરીબેન વેવાઈને ખબર પુછવા જતા સર્જાઈ દુર્ઘટના, હાથ-મોઢાના ભાગે ઇજા
અગ્ર ગુજરાત, રાજકોટ
મેટોડા નજીક આવેલા રાતૈયા ગામે એક ખુંટીયાના હુમલામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વેવાઈના ઘરે ખબર-અંતર પૂછવા ગયેલી મહિલા પર અચાનક પાછળથી ખુંટીયાએ હુમલો કરતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, પાળ ગામે રહેતા 50 વર્ષીય ગૌરીબેન મોહનભાઈ ચાંડપા પોતાના વેવાઈની મુલાકાત લેવા રાતૈયા ગામે ગયા હતા. સાંજના સમયે તેઓ ગામમાં ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી આવેલા ખુંટીયાએ તેમને શિંગડે ચડાવી જમીન પર પછાડી દીધા હતા. હુમલાના કારણે ગૌરીબેનને હાથ તેમજ ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ખુંટીયાને દૂર હાંકી કાઢી મહિલાને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. ઇજાગ્રસ્ત ગૌરીબેનને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમના હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગૌરીબેનના પરિવારમાં બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે, જ્યારે તેમના પતિ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગેની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા મેટોડા પોલીસને કરવામાં આવી હતી, જેથી જરૂરી નોંધની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


