ઓલા, ઉબેર અને રેપિડોના ગેરકાયદે વાણિજયક હેતુ સામે હાઇકોર્ટ લાલઘૂમ
સરકારનો ઉધડો લેતા ગુજરાતમાં નવી વાહન પરિવહન નીતિ વધુ કડક બનાવવાની ચર્ચા
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતમાં ઓલા , ઉબર અને રેપિડો જેવી એપ આધારિત વાહન સેવાઓનો ઉપયોગ કરનારા અને આપનારાઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આવી ખાનગી એપ આધારિત સેવાઓ દ્વારા થતા વાહનોના કોમર્શિયલ ઉપયોગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને આડે હાથ લેતા આકરી ટકોર કરી છે અને પૂછ્યું છે કે આ પ્રકારના નિયમ વિરુદ્ધના ઓપરેશન્સ સામે સરકારે અત્યાર સુધી શું પગલાં લીધા છે?
કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, યોગ્ય પરમિટ કે કાનૂની માળખા વગર ખાનગી વાહનોનો જે રીતે કોમર્શિયલ એટલે કે વ્યાપારી હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો છે, તેનાથી રાજ્ય સરકારની તિજોરીને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત, ટેક્સ ભરીને કાયદેસર ધંધો કરતા સામાન્ય રિક્ષા અને ટેક્સી ચાલકોના રોજગાર પર પણ તેની સીધી માઠી અસર પડી રહી છે.
હાઇકોર્ટે આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ અને તેના પર નિયંત્રણ લાવવા અંગે અત્યાર સુધી લેવાયેલા એક્શનનો વિગતવાર અહેવાલ સબમિટ કરવા સરકારને આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને માત્ર એક સપ્તાહ (7 દિવસ) નો સમય આપતા કડક સૂચના આપી છે કે આ મામલે સરકાર પોતાનો સત્તાવાર જવાબ રજૂ કરે.
હાઇકોર્ટના આ આકરા વલણ બાદ રાજ્યના પરિવહન વિભાગ અને સરકારી વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ આદેશ બાદ હવે ગુજરાતમાં નવી વાહન પરિવહન નીતિ અને નિયમોને વધુ કડક બનાવવા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ગેરકાયદેસર રીતે દોડતા બાઇક ટેક્સી અને પ્રાઇવેટ નંબર પ્લેટવાળા વાહનો સામે મોટું ચેકિંગ અભિયાન શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.


