સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્રંબાના ત્રિવેણી ઘાટ ખાતે ‘ક્લીનઅપ ગ્રુપ રાજકોટ’નું સ્વચ્છતા અભિયાન
આરકે યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે મળીને ત્રિવેણી ઘાટની સાફ-સફાઈ કરી સ્વચ્છતાના સંકલ્પ લીધા
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ૧૫ ઓગસ્ટના રોજ ત્રંબા સ્થિત ત્રિવેણી ઘાટ પર ‘ક્લીનઅપ ગ્રુપ રાજકોટ’ અને આરકે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરકે યુનિવર્સિટીના પ્રોફેસર સિરાજભાઈ, પ્રોફેસર હિતેશભાઈ માણેક, ત્રંબા ગામના સરપંચ દર્શનાબેન પીઠવા અને તલાટી-મંત્રી અસ્મિતાબેન ગજેરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અભિયાન દરમિયાન ઉપસ્થિત સૌએ ત્રિવેણી ઘાટની સફાઈ કરી હતી અને જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા તેમજ હંમેશા કચરાપેટીનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા. ક્લીનઅપ ગ્રુપના સભ્ય સંજય કાકડિયાએ જણાવ્યું કે માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ જ દેશભક્તિ નથી, પરંતુ દેશ પ્રત્યે વફાદાર રહેવું, ગંદકી ન કરવી અને સમાજને વ્યસનમુક્ત બનાવવો એ સાચી દેશભક્તિ છે. આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન દેશોના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે ભારત પ્રત્યે આદર વ્યક્ત કરી દેશને સ્વચ્છ બનાવવાના દરેક પ્રયાસમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. “મારો કચરો, મારી જવાબદારી” ના સૂત્ર સાથે યોજાયેલું આ અભિયાન સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો.


