પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું
યુવતી સાથે લગ્ન શક્ય ન બનતાં અંતિમ પગલું ભર્યાની પરિવારજનોની વાત
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળમાં રહેતા 30 વર્ષીય યુવાને પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળ્યા બાદ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શાપરમાં ગંગા ફોર્જિંગ નજીક આંબેડકરનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મેહુલભાઈ ગોરધનભાઈ ગોહેલ (ઉં.30)એ તા.7ના બપોરના સમયે ઘર નજીક આવેલા ઈંટોના ભઠ્ઠા પાસે કોઈ ઝેરી દવા ગળી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
યુવાનના મોત અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર-વેરાવળ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહેન્દ્રભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા અને હજુ સુધી તેમના લગ્ન થયા નહોતા. તેઓ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ મહેન્દ્રભાઈને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જોકે, આ સંબંધ લગ્ન સુધી પહોંચી શકે તેમ ન રહેતાં તેઓ માનસિક રીતે હતાશ થયા હતા અને આખરે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના અણધાર્યા મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બનાવને પગલે સ્વજનોમાં કલ્પાંત અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.


