શ્રાવણ માસના પ્રથમ સોમવારે મનપા દ્વારા શિવ મંદિરો પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશ
શહેરના ૫૦થી વધુ શિવ મંદિરો અને આસપાસના માર્ગો પર સ્વચ્છતા ડ્રાઈવ; મેયર અને કમિશનર સહિતના હોદ્દેદારોએ “સ્વચ્છ રાજકોટ – સ્વસ્થ રાજકોટ” માટે કરી અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં આવેલા શિવ મંદિરોના પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી પરિસરમાં સ્વચ્છતા અને સુઘડ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં આવેલ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર, પ્રવેશદ્વાર, આસપાસના માર્ગો તથા જાહેર સ્થળોએ સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત કચરો દૂર કરી પરિસરને સ્વચ્છ રાખવા તેમજ શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે માટે જરૂરી સફાઈ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જાળવવાની સાથે નાગરિકોમાં “સ્વચ્છતા એ સૌની જવાબદારી”ની ભાવના કેળવાય તે માટે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણા દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, ધાર્મિક સ્થળો તથા જાહેર વિસ્તારોમાં કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને અને “સ્વચ્છ રાજકોટ – સ્વસ્થ રાજકોટ”ના સંકલ્પને સાકાર કરવામાં સહયોગ આપે.


