14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા
હોસ્પિટલ ચોક નજીક આંખમાં મરચાંની ભૂકી નાખી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થયા હતા, ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયને પકડી રૂ.2.50 લાખ રોકડા કબજે કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વર્ષ 2012 દરમિયાન હોસ્પિટલ ચોક વિસ્તારમાં ઠાકર હોટલ પાછળની શેરીમાં બનેલી રૂ.12 લાખની લૂંટનો 14 વર્ષ જૂનો અનડિટેક્ટ ગુનો આખરે ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે ગુનાને અંજામ આપનાર ત્રણ શખ્સોને પકડી તેમની પાસેથી રૂ.2.50 લાખની રોકડ રકમ કબજે કરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) બી.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ રાજેશ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે પોપટપરા વિસ્તારમાં આવેલા નવા કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા.
પોલીસે પકડેલા આરોપીઓમાં **અબઝલ ઉર્ફે સદામ અહેમદભાઇ દલવાણી (ઉં.37), રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઇ ચુડાસમા (ઉં.41) અને ઇકબાલ ભીખુભાઇ શેખ (ઉં.40)**નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રૂ.500ના દરની કુલ 500 ચલણી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.2.50 લાખ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, વર્ષ 2012માં આરોપીઓ મોટરસાયકલ પર આવી ફરિયાદીના એક્ટિવા સામે પોતાનું વાહન આડું રાખી તેને અટકાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની આંખમાં મરચાંની ભૂકી જેવો પાવડર નાખી મોઢા પર મુક્કા માર્યા હતા. ફરિયાદીના એક્ટિવાના આગળના ભાગમાં પગ પાસે રાખેલી રોકડા રૂ.12 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 394, 114 મુજબ ગુનો નોંધાયો હતો.
આ કેસ વર્ષોથી અનડિટેક્ટ રહેતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૂના મિલકત સંબંધી ગુનાઓ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ત્રણેય શખ્સોને ઝડપી લઇ 14 વર્ષ જૂના લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબઝલ ઉર્ફે સદામ સામે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહિબિશન તથા અન્ય ગંભીર કલમો હેઠળ અગાઉના ગુનાઓ નોંધાયેલા છે. રાકેશ ઉર્ફે બીટુ સામે જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ઇકબાલ શેખ સામે રાજકોટના પ્રદ્યુમનનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળના અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા પીએસઆઇ એસ.એમ. રાણા સહિતની ટીમે હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી લૂંટની રકમમાંથી બાકી રહેલી રકમ અંગે તેમજ ગુનામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.


