પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ
2020માં બનેલા દુષ્કર્મ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટનો ચુકાદો; ભોગ બનનાર મહિલા, પુત્ર અને અન્ય પુરાવાઓને આધારે આરોપી દોષિત ઠર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરી વિસ્તારમાં નદી કાંઠે કપડાં ધોવા ગયેલી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આરોપી પ્રફુલભાઈ લાભુભાઈ સોલંકીને રાજકોટની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2020માં બનેલા આ ગંભીર ગુનામાં કોર્ટે રજૂ થયેલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
કેસની વિગતો મુજબ, 28 જાન્યુઆરી 2020ના રોજ બપોરના સમયે પડધરી નજીક આવેલી ડોંડી નદીના કાંઠે એક મહિલા કપડાં ધોવા માટે ગઈ હતી. તે દરમિયાન પ્રફુલ સોલંકી ત્યાં પહોંચી આવ્યો હતો અને મહિલાની ઇચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે જો આ ઘટનાની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.
દરમિયાન મહિલાનો પુત્ર અચાનક ઘટનાસ્થળે પહોંચી જતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદમાં પીડિતાએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર થતાં તેની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન પીડિત મહિલાએ સોગંદપૂર્વક પોતાની જુબાની આપી હતી અને સમગ્ર ઘટનાક્રમ કોર્ટ સમક્ષ વર્ણવ્યો હતો. ઉપરાંત, ઘટનાસ્થળે પહોંચેલા તેના પુત્રે પણ મહત્વપૂર્ણ સાક્ષી તરીકે જુબાની આપી હતી. પ્રોસિક્યુશન તરફથી તબીબો, તપાસ અધિકારી તથા અન્ય સાક્ષીઓની જુબાની સાથે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી પક્ષની વિસ્તૃત દલીલો, સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે રાજકોટના સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી પ્રફુલભાઈ લાભુભાઈ સોલંકીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ અસરકારક રીતે પક્ષ રજૂ કર્યો હતો. તેમની સાથે ઉત્સવ પીપળીયા, નિલમ સાગઠિયા અને નિલમ નાવર સહાયક તરીકે જોડાયા હતા, જ્યારે મૂળ ફરિયાદી પક્ષ તરફથી વકીલ પ્રકાશભાઈ ત્રિવેદીએ કામગીરી સંભાળી હતી.


