રાજકોટમાં માત્ર સાડા ત્રણ ઇંચ પડતા પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી
પોપટપરાનું નાળુ બંધ, લલૂડી વોંકળીમાં પાણી ભરાયા
લલૂડી વોંકળી નજીક રહેતા ૧૦૦૦થી વધારે લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવા કવાયત, પોપટપરાનું નાળુ બંધ કરતા પાંચ વિસ્તારના રહેવાસીઓને અવર-જવર માટે હાલાકી, નાળા નજીક બેરીકેટ મૂકી પોલીસનો બંદોબસ્ત મૂકાયો
તિરૂપતિ સોસાયટીમાં વરસાદથી વૃક્ષ ધરાશાયી, પાણી ભરાતા તંત્ર ઘટના સ્થળે, જાનહાની ટળતા રાહત અનુભવી : સર્તક રહેવા મહાપાલિકા અને કલેકટર તંત્ર દ્વારા અપીલ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં શુક્રવારની રાતથી શરૂ થયેલો વરસાદ શનિવાર બપોર સુધીમાં 3.૫ ઇંચ જેટલો વરસી ગયો હતો. સાડા ત્રણ ઇંચ વરસાદમાં જ રેલનગર નજીકનું પોપટપરા નાળામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું હતું. દર વર્ષની સમસ્યા આ વર્ષેપ ણ યથાવત રહેતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત વિવિધ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. તેમજ સોરઠીયાવાડી નજીકની લલૂડી વોંકળીમાં પાણી ભરાતા ૧૦૦૦થી વધારે લોકોના સ્થળાંતરની કામગીરી તંત્ર દ્વારા કરાઇ હતી અને લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં રાત્રે 12 થી બપોરે 12 કલાક સુધી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. હજુ પણ ધીમીધારે વરસાદ સતત વરસી રહ્યો છે. અહીં માત્ર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ચુકી છે. ગરનાળામાં પાણી ભરાવાની સાથે જ ગરનાળું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તેમજ મનપા સ્ટાફને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. બન્ને તરફથી ગરનાળું બંધ કરી દેવામાં આવતા રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, રૂખડિયાપરા વિસ્તારના 50,000 જેટલા લોકોને અવરજવર કરવામાં અસર પહોંચી શકે છે અને તેઓને ફરીને એક તરફથી બીજી તરફ અવરજવર કરવી પડે છે. વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે અને નજીવા વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રૈયા રોડ પર આવેલ તિરુપતિ સોસાયટીમાં વરસાદના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ઉપરાંત શહેરના રૈયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો દ્વારા મનપા તંત્રને જાણ કરતા તાત્કાલિક મનપાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
આજી 2 ડેમના બે દરવાજા ખોલાયા
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી 2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે 12.30 વાગ્યે ડેમના 2 દરવાજા 0.102 મીટર ખોલવામાં આવ્યા છે. જેના કારણે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 72.5 મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક 380 ક્યુસેક છે.
લાલપરી ડેમ 90 ટકા ભરાયો
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 137.46 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 137.16 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 4.6 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 474 ક્યુસેક છે, અને જાવક 0 છે.
ભાદર 2 ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલાયો
વરસાદના લીધે પાણીની આવક વધતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર 2 ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી, જયારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નિલાખા, તલગાણા, ઉપલેટામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગ્રાસ, થાપડા માણાવદર, ચીલોદરા, રોઘડા, વડાસડા, વેકરી પોરબંદર, ચીકાસા, ગારેજ, મિતરાળા, નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 52.5 મીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક 673 ક્યુસેક છે.
મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ફિલ્ડમાં
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં તેમજ આજે સવારથી રાજકોટ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રેલનગર ખાતે નાળુ અને ભગવતીપરામાં નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ, એન્જિનિયરિંગ, ફાયર એન્ડ ઇમરજન્સી, ઇલેક્ટ્રિકલ તેમજ અન્ય સંબંધિત શાખાઓની ટીમો સતત એલર્ટ મોડ પર કાર્યરત છે. શહેરના મુખ્ય ડ્રેનેજ નેટવર્ક, સ્ક્રીન ચેમ્બર, સ્ટોર્મ વોટર લાઇન તથા અંડરબ્રિજોમાં પાણીનો પ્રવાહ સરળતાથી જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ પમ્પિંગ મશીનો અને અન્ય સાધનો પણ કાર્યરત રાખવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોનલ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો તેની તાત્કાલિક જાણ મેળવી ઝડપી પ્રતિસાદ આપવામાં આવે અને સમસ્યાનું સમયસર નિરાકરણ લાવવામાં આવે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત ફિલ્ડમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવા તથા નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સક્રિય રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી તેમજ કોઈપણ પ્રકારની તકલીફ કે વરસાદ સંબંધિત સમસ્યા જણાય તો મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અથવા ટોલ ફ્રી નંબર 155304 પર સંપર્ક કરી જાણ કરવી.
કલેક્ટરે મધરાતે ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત
રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા ક્લેક્ટર ડૉ.ઓમ પ્રકાશના નિર્દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશે મધરાત્રે કલેક્ટર કચેરી ખાતેના ડિઝાસ્ટર કંટ્રોલરૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી. ફરજ પર ઉપસ્થિત કર્મચારીઓ પાસેથી વિગતો મેળવતા તેમણે તમામ તાલુકામાં થઈ રહેલી ડિઝાસ્ટર સેલની કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ તાલુકામાં કંટ્રોલરૂમના નંબર એક્ટિવ છે કે કેમ, સેટેલાઈટ ફોન ચાલુ હાલતમાં છે કે કેમ, વરસાદી વિગતોનું સંકલન વગેરે સહિતની બાબતોની કલેક્ટરે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.


