પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી
રિમોન્ડેલિંગ કામગીરી અંતર્ગત ટ્રેનો પ્રભાવિત થતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા
અગ્ર ગુજરાત, પોરબંદર
પોરબંદર પોરબંદર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા યાર્ડ રિમોડેલિંગની કામગીરીને કારણે ભાવનગર મંડળની 14 જેટલી ટ્રેનોના શિડ્યુલને વ્યાપક અસર પહોંચી છે.
રેલવે પ્રશાસન દ્વારા એક્સપ્રેસ ટ્રેનો ચાલુ રાખીને માત્ર લોકલ અને પેસેન્જર ટ્રેનોને જ સંપૂર્ણપણે રદ કરવામાં આવતા સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના દૈનિક મુસાફરોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રેલવે વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ બ્લોકને કારણે પોરબંદર પંથકના અનેક નાના રેલવે સ્ટેશનો સુમસામ બની ગયા છે.
રેલવે દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં ન આવતા ગ્રામ્ય જનતાને ભારે આર્થિક અને શારીરિક નુકસાની વેઠવી પડી રહી છે. નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ કે જેઓ નિયમિતપણે ટ્રેન દ્વારા અપ-ડાઉન કરતા હતા, તેઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી.
તંત્રના આ અણઘડ આયોજનને કારણે મુસાફરો હવે ખાનગી વાહનો અથવા એસ.ટી. બસના સહારે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેના લીધે તેઓને બમણું ભાડું ચૂકવવાનો વારો આવ્યો છે.
રેલવેનું સસ્તું ભાડું બંધ થતાં મુસાફરોને હવે ફરજીયાત પણે મોંઘા ખાનગી વાહનો ભાડે કરવા પડે છે તેમજ કનેક્ટિવિટી તૂટવાના કારણે મુસાફરોને રોડ માર્ગે લાંબો ધક્કો ખાવો પડે છે અને સમયનો પણ ભારે વેડફાટ થઈ રહ્યો છે.
રેલવે સેવાઓ ખોરવાઈ જવાથી બોરડી, સખપુર, તરસાઈ અને વાસજાળીયા,જશાપર અને ભાણવડ સહિતના આસપાસના ૧૦થી વધુ ગામડાઓના હજારો દૈનિક મુસાફરોને સીધી અસર થઈ છે.


