પ્રવિણ સોરાણીનો ખેલ : વોર્ડ નં.૧૫માં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ
જીતી શકીએ તેમ નહી હોવાથી ફોર્મ પરત ખેંચ્યુ હોવાનો સ્વીકાર : પ્રવિણભાઇ સોરાણીના કહેવાથી ભાજપને સમર્થન આપવાની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાંથી ટિકિટ વહેંચણી બાદ ૨૭ વર્ષથી પક્ષમાં રહેલા અને મહાનગરપાલિકામાં વિપક્ષી પદે પણ રહી ચુકેલા પ્રવિણભાઇ સોરાણી અને ભાનુબેન સોરાણીએ રાજીનામુ આપ્યુ હતું અને કોંગ્રેસને દેખાડી દેવા એલાન કર્યુ હતું. આજે ફોર્મ ખેચવાના અંતિમ દિવસે વોર્ડ નં.૧૫માંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર કોળી સમાજના લાખાભાઇ મોરવાડીયાનું ફોર્મ પરત ખેંચાવ્યું હતું. આ ફોર્મ પ્રવિણભાઇ સોરાણીના કહેવાથી પરત ખેંચ્યુ હોવાનું મોરવાડીયાએ સ્વીકાર્યુ હતું.
વધુમાં લાખાભાઇ મોરવાડીયાએ જણાવ્યું હતું કે હું વોર્ડ નં.૬નો રહીશ છું અને ત્યાં અમારી આમ આદમી પાર્ટીની ટીમ મોટી અને સક્રિય છે. પરંતુ મને ત્યાં ટિકિટ આપવાના બદલે વોર્ડ નં.૧૫માંથી ટિકિટ આપી હતી. વોર્ડ નં.૬માં અમારા કોળી જ્ઞાતિના મત વધુ છે. ત્યાંથી મને ટિકિટ નહી આપતા તેમજ વોર્ડ નં.૧૫માં અમે જીતી શકીએ તેમ નથી તેથી આજે ફોર્મ પરત ખેંચ્યુ હતું અને અમે ભાજપને સમર્થન આપવાના છીએ. પ્રવિણભાઇ સોરાણી અમારી જ્ઞાતિના આગેવાન છે અને તેઓના કહેવાથી ફોર્મ પરત ખેંચ્યુ છે. તેઓ ભાજપને સમર્થન આપી રહ્યા છે. તેથી મારૂ સમર્થન પણ ભાજપને રહેશે.
આ અંગે કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા પ્રવિણ સોરાણીએ જણાવ્યું હતું કે અમારો સમાજ ખૂબ મોટો છે. કોંગ્રેસ દ્વારા અમારા સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. ૨૭ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા હોવા છતાં અમારી ટિકિટ કાપવામાં આવી છે. લાખાભાઇ મોરવાડીયા અમારા સમાજના આગેવાન છે. જેથી તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેઓએ ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપને સમર્થન જાહેર કર્યુ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું ભાજપનો પ્રચાર કરીશ. રેલીમાં જઇશ પરંતુ કયારેય ભાજપનો ખેસ પહેરીશ નહી. ચૂંટણી લડવાનો સવાલ જ થતો નથી ત્યારે ખેસ પહેરવાનો કોઇ મતલબ રહેતો નથી. જાહેર જીવનમાં રહીને લોકોની સેવા અને કામ કરીશ.


