લોકશાહીમાં વિરોધ કરવાનો પ્રજાનો મૂળભૂત અધિકાર : મયુર શાહ
કોના ઈશારે વિધાર્થીઓ માથે લાઠીચાર્જ કરવામાં આવ્યો? કોંગ્રસનો સવાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો અથવા આતંકવાદીઓ જેવી વર્તણૂક કરવામાં આવી હોવાના દૃશ્યો અને અહેવાલો લોકશાહી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળીને સંવાદ સ્થાપવાનો માર્ગ અપનાવવાને બદલે તેમના અવાજને બળપૂર્વક દબાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો? આ નિર્ણય કોના આદેશથી અને કયા સંજોગોમાં લેવામાં આવ્યો તેની સ્પષ્ટતા રાજ્ય સરકાર અને પ્રશાસને જાહેરમાં કરવી જોઈએ.
એક તરફ સત્તાધારી પક્ષના કાર્યક્રમો, શોભાયાત્રાઓ અને રાજકીય સભાઓને સરળતાથી મંજૂરી આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધને અટકાવવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે શું કાયદાના અમલમાં સૌ માટે સમાન ધોરણો લાગુ પડે છે કે પછી સત્તાના આધારે અલગ વ્યવહાર કરવામાં આવે છે?
જો કોઈ અધિકારીએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો હોય અથવા કાયદાની મર્યાદા ઓળંગી હોય, તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારી નક્કી કરવી અને કડક કાર્યવાહી કરવી આવશ્યક છે. માત્ર તપાસના આશ્વાસનોથી નહીં, પરંતુ પારદર્શક કાર્યવાહીના આધારે જ પ્રજાનો વિશ્વાસ જળવાઈ શકે.
લોકશાહીમાં અસહમતિ વ્યક્ત કરવી ગુનો નથી; તે બંધારણીય અધિકાર છે. વિદ્યાર્થીઓના અવાજને દમન દ્વારા દબાવવાનો કોઈપણ પ્રયાસ લોકશાહીના મૂળભૂત મૂલ્યોને નબળા પાડે છે. સરકાર અને પ્રશાસને દમન નહીં, પરંતુ સંવાદ અને ન્યાયનો માર્ગ અપનાવવો જોઈએ. તેમ કોંગ્રેસના મયુર શાહે યાદીમાં જણાવ્યું છે.


